રોહિંગ્યાઓને ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરાવનારા ૪૭ દલાલોની એનઆઇએ ધરપકડ કરી

નવીદિલ્હી, ભારતમાં રોહિંગ્યાઓની ગેરકાયદેસર ઘૂસણખોરી શરૂઆતથી જ મોટો મુદ્દો રહ્યો છે. હજારો રોહિંગ્યાઓ ભારતના વિવિધ રાજ્યોમાં ગેરકાયદેસર રીતે રહે છે. હવે આ ગેરકાયદે ઘૂસણખોરીને રોકવા માટે એજન્સીઓ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) અને આસામ પોલીસે સંયુક્ત ઓપરેશનમાં, રોહિંગ્યાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવામાં મદદ કરવા બદલ ૪૭ દલાલોની ધરપકડ કરી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, આસામના સ્પેશિયલ ડીજીપી હરમીત સિંહે કહ્યું કે સાવચેતીપૂર્વક આયોજન કર્યા પછી,એનઆઇએ અને આસામ પોલીસ દ્વારા વિવિધ રાજ્ય પોલીસ દળોના સહયોગથી ૮ નવેમ્બરની સવારે દેશવ્યાપી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં કુલ ૪૭ દલાલો અને વચેટિયાઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોમાંથી ૨૫ ત્રિપુરાના, ૫ આસામના, ૩ પશ્ર્ચિમ બંગાળના, ૯ કર્ણાટકના, ૧ હરિયાણા અને તેલંગાણાના અને ૩ તમિલનાડુના છે.

આસામ પોલીસે કહ્યું છે કે ફેબ્રુઆરી ૨૦૨૩માં કરીમગંજ પોલીસે કરીમગંજ રેલ્વે સ્ટેશન પર ત્રિપુરાથી આવતી ટ્રેનમાં રોહિંગ્યાઓના સમૂહને શોધી કાઢ્યો હતો. તપાસ બાદ સામે આવ્યું કે ગેરકાયદે રોહિંગ્યાઓ અને ઘૂસણખોરો ભારત-બાંગ્લાદેશ સરહદેથી ભારતમાં પ્રવેશી રહ્યા છે. આ ઘટના બાદ આસામ પોલીસે તકેદારી અને કામગીરી વધારી, જેના પરિણામે ૪૫૦ ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ (રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ)ને સીમા સુરક્ષા દળોની મદદથી રોકવામાં આવ્યા અને પાછા ફર્યા.

પોલીસે જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે ગેરકાયદેસર વસાહતીઓને ભારતમાં ઘૂસણખોરીમાં મુખ્ય ભૂમિકા ભજવનારા દલાલો-વચેટિયાઓ દ્વારા મદદ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે વચેટિયાઓ માત્ર ભારત-બાંગ્લાદેશ સરહદની બંને બાજુએ જ નહીં પરંતુ મુખ્ય ભૂમિ પર પણ હાજર છે. આ કારણોસર પોલીસે વચેટિયાઓના નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવા અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનમાં આસામ સ્પેશિયલ ટાસ્ક ફોર્સે જુલાઈ ૨૦૨૩માં ઓપરેશન શરૂ કર્યું હતું અને આવા ૧૦ દલાલો અથવા વચેટિયાઓની ધરપકડ કરી હતી.

જ્યારે પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરી, ત્યારે જાણવા મળ્યું કે મધ્યસ્થીઓનું નેટવર્ક સમગ્ર ભારતમાં અસ્તિત્વમાં છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર બાબત છે. આ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ માટે આસામનો કોરિડોર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તે હકીક્તને ધ્યાનમાં રાખીને, આસામ સરકારે ભારત સરકારના ગૃહ મંત્રાલયને આ કેસ એનઆઇએને ટ્રાન્સફર કરવા વિનંતી કરી. આ પછી આસામ પોલીસ અને એનઆઇએએ મળીને આ મોટું પગલું ભર્યું છે.