આઈસીસીના ચેરમેન ગ્રેગ બાર્કલનો કાર્યકાળ ૩૦ નવેમ્બરના રોજ પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહના ભવિષ્યને લઈ અટકળો ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, જય શાહ આઈસીસી ચેરમેનનું પદ સંભાળી શકે છે. શાહ આ પદ માટે પોતાની દાવેદારી રજુ કરશે કે, નહિ તે ટુંક સમયમાં જ સ્પષ્ટ થઈ જશે. ત્યારે હવે એક મોટો સવાલએ છે કે, જય શાહ જો આઈસીસી ચેરમેન બને છે તો બીસીસીઆઈ સચિવ કોણ બનશે. આ બધા વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
રિપોર્ટ મુજબ જો જય શાહ આઈસીસીના ચેરમેન બને છે તો ડીડીસીએના પ્રેસિડન્ટ રોહન જેટલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા સચિવ બની શકે છે. રોહન જેટલી છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોશિએશન સાથે જોડાયેલા છે. રોહન જેટલી પૂર્વ કેન્દ્રિય મંત્રી સ્વર્ગીય અરુણ જેટલીનો દિકરો છે. રિપોર્ટ મુજબ રોહન બીસીસીઆઈ સચિવ બનવાની રેસમાં સૌથી આગળ જોવા મળી રહ્યો છે.
રોહન જેટલી અનુભવી સ્પોર્ટસ એડમિનિસ્ટ્રેટરમાંથી એક છે. તે ૨ વખત દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોશિએશનના પ્રેસિડન્ટ પણ રહી ચૂક્યો છે. તેના કાર્યકાળ દરમિયાન દિલ્હીમાં વર્લ્ડકપની ૫ મેચ રમાઈ હતી અને દિલ્હી પ્રીમિયર લીગની પણ શરુઆત થઈ હતી. જેમાં ભારતીય ક્રિકેટના અનેક સ્ટાર ખેલાડી રમી રહ્યા છે. ત્યારે એવા સમાચાર આવી રહ્યા છે કે, બીસીસીઆઈમાં રોહનના નામ પર સૌ કોઈ સહમત છે. રોહન જેટલી બીસીસીઆઈ સચિવ બને છે તો બાકીના અધિકારીઓ પોતપોતાના હોદ્દા પર રહેશે.
આઈસીસીના નિયમ અનુસાર ચેરમેનની ચૂંટણી માટે ૧૬ ડાયરેક્ટર મત આપે છે. ત્યારે ચેરમેન બનવા માટે ૯ મત મળવા જરુરી છે. રિપોર્ટ મુજબ આઈસીસી બોર્ડના ૧૬માંથી ૧૫ મેમ્બરનો સપોર્ટ જય શાહને છે. ત્યારે તેની પાસે ૩૫ વર્ષની ઉંમરમાં આઈસીસીના ઈતિહાસમાં સૌથી નાની ઉંમરના ચેરમેન બનવાની પણ તક છે.રોહન જેટલીના નામ પર સૌએ સહમતિ દર્શાવી છે. પ્રમુખ રોજર બિન્ની સહિત અન્ય અધિકારીઓ તેમના પદ પર રહેશે.