રોગને પડકાર સૂર્યને નમસ્કાર:નવા વર્ષના પ્રારંભે હકારાત્મક ઊર્જાના સંચાર સાથે સૂર્ય વંદના કરતો દાહોદ જીલ્લો

  • સૂર્ય નમસ્કાર જીવનની મૂડી છે સમંત્ર સૂર્ય નમસ્કાર નવી ઉર્જા અને પ્રાણશક્તિ આપે છે : પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ.
  • દેવગઢબારિયા સ્વ જયદિપસિંહજી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતેથી મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં વિશ્ર્વ વિક્રમ સર્જવામાં 1050 કરતા વધુ લોકોએ ભાગીદારી નોંધાવી.

દાહોદ,તા.01 જાન્યુઆરી, સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર મહા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે નૂતનવર્ષના પ્રથમ દિવસે તા.01 જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં 108 સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અન્વયે, રાજ્યના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં દાહોદ જીલ્લાના દેવગઢબારીયા સ્વ જયદિપસિંહજી જીલ્લા રમત ગમત કેન્દ્ર ખાતે જીલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, સતત બદલાતા યુગમાં નીરોગી જીવનશૈલી જરૂરી છે. યોગને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજના રાજ્ય સરકારે અમલમાં મૂકી છે. સમગ્ર રાજ્યમાં તા.01 જાન્યુઆરીના રોજ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન પામવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર રાજ્ય માટે આ ગૌરવાન્વીત ક્ષણ છે. વધુમાં મંત્રી એ જણાવ્યું કે સૂર્ય નમસ્કાર એ 12 જેટલા યોગને સમાવતો સર્વાંગ યોગ છે. જેમનું તન તંદુરસ્ત એમનું મન પણ તંદુરસ્ત. આમ મંત્રીએ યોગ અને સૂર્યનમસ્કારને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા પણ અપીલ કરી હતી. દાહોદ જીલ્લા સહિત અન્ય જીલ્લાઓ વર્ચ્યુઅલ માધ્યમ વડે રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં સંમિલિત બન્યા હતા.

મંચસ્થ મહેમાનોનું તુલસીના રોપા અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બી આર સી પટેલ દેવગઢ બારિયા અને આભારવિધિ પટેલ એ કરી હતી.

પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ, મામલતદાર સમીરભાઈ પટેલ, એ.પી.એમ.સી.ના ચેરમેન અમરસિંહ રાઠવા, જીલ્લા પંચાયતના સભ્યો, જીલ્લા યુવા વિકાસ અધિકારી જીગ્નેશ ડાભી, પ્રાંત યુવા વિકાસ અધિકારી અશોક પટેલીયા, જીલ્લા રમત વિકાસ અધિકારી ઉષાબેન ચૌધરી, જીલ્લા યોગ કોડીનેટર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ માંથી દેવેન્દ્ર પટેલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ પ્રશિક્ષકો, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, યોગ સાધકો સહિત બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.