મુંબઇ,ફિલ્મ અભિનેતા સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સોમવારે રાત્રે એક વ્યક્તિએ મુંબઈ પોલીસ કંટ્રોલને ફોન કરીને સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી આપનારા વ્યક્તિએ પોતાનું નામ રોકી ભાઈ જણાવ્યું છે.
ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. ફોન કરનારા રોકી ભાઈએ પોલીસ કંટ્રોલને જણાવ્યું હતું કે, તે જોધપુરનો રહેવાસી છે અને ગૌ રક્ષક છે. આ ધમકીભર્યો ફોન સોમવારે રાત્રે ૯ વાગ્યે આવ્યો હતો.સલમાન ખાનને ગયા મહિને બે વખત ધમકી મળી હતી. તેને ૧૮ અને ૨૩ માર્ચે મેઈલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈએ પણ ગયા મહિને એક ઈન્ટરવ્યુ દરમિયાન સલમાન ખાનને કાળા હરણ વિવાદ કેસમાં માફી માંગવા કહ્યું હતું. તેણે કહ્યું હતું કે, જો સલમાન ખાન માફી નહીં માંગે તો તે પોતાનો અહંકાર તોડી નાખશે.
ગયા મહિને સલમાનને ધમકી આપવાના સંદર્ભમાં મુંબઈ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને, ધાકડ રામ સિહાગ નામના વ્યક્તિને પકડ્યો હતો. પોલીસે તેની રાજસ્થાનમાંથી ધરપકડ કરી હતી. આ સિવાય મુંબઈ પોલીસે તાજેતરમાં દાવો કર્યો હતો કે, ૧૮ માર્ચે સલમાનને મળેલી ધમકી પાછળ યુકેમાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બરારનો હાથ હતો. તેની સામે કાર્યવાહી કરવા માટે મુંબઈ પોલીસે ઈન્ટરપોલની મદદ પણ લીધી અને યુકે સરકારને વિનંતીનો પત્ર મોકલ્યો છે.
આ દિવસોમાં સલમાન ખાન તેની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેણે ગયા દિવસે મુંબઈમાં તેની ફિલ્મ ક્સિી કા ભાઈ ક્સિી કી જાનનું ટ્રેલર રિલીઝ કર્યું હતું. જો કે, છેલ્લા કેટલાક સમયથી સલમાન દરેક જગ્યાએ કડક સુરક્ષા હેઠળ જાય છે. આ પહેલા તે ફિલ્મફેરની પ્રેસ કોન્ફરન્સમાં પણ કડક સુરક્ષામાં જોવા મળ્યો હતો.