
ડીઝલ કાર ખરીદનારાઓ માટે ખરાબ સમાચાર આવી શકે છે. આગામી દિવસોમાં તમારે ડીઝલ કાર ખરીદવા માટે વધુ મહેનત કરવી પડશે. કારણ કે ડીઝલ વાહનોની કિંમતમાં વધારો થઈ શકે છે.
વાત એમ છે કે રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી કેન્દ્ર સરકારને પ્રદૂષણ ઘટાડવા માટે ડીઝલ વાહનો પર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ કરવા જઈ રહ્યા છે. નીતિન ગડકરીએ કહ્યું, “હું આજે સાંજે નાણામંત્રીને એક પત્ર આપવા જઈ રહ્યો છું જેમાં કહેવામાં આવ્યું છે કે ડીઝલ પર ચાલતા વાહનો પર 10 ટકા વધારાનો GST લાદવામાં આવશે.” હાલમાં દેશમાં મોટાભાગના કોમર્શિયલ વાહનો ડીઝલ પર ચાલે છે.
જો કે આ નિવેદન આપ્યા પછી એમને ટ્વિટ કરીને ચોખવટ કરી હતી કે, ‘ડીઝલ વાહનોના વેચાણ પર વધારાના 10% GST સૂચવતા મીડિયા અહેવાલો અંગે સ્પષ્ટતા કરવાની જરૂર છે. હાલમાં હાલમાં આવા કોઈ પ્રસ્તાવ પર સરકાર સક્રિય વિચારણા નથી કરી રહી. 2070 સુધીમાં કાર્બન નેટ ઝીરો હાંસલ કરવા અને ડીઝલ જેવા જોખમી ઇંધણ તેમજ ઓટોમોબાઇલ વેચાણમાં ઝડપી વૃદ્ધિને કારણે વાયુ પ્રદૂષણના સ્તરને ઘટાડવાની અમારી પ્રતિબદ્ધતાઓને અનુરૂપ, ક્લીનર અને ગ્રીનર વૈકલ્પિક ઇંધણને સક્રિયપણે અપનાવવું હિતાવહ છે. આ ઇંધણ આયાત અવેજી, ખર્ચ-અસરકારક, સ્વદેશી અને પ્રદૂષણ-મુક્ત હોવા જોઈએ.
મારુતિ સુઝુકી ઈન્ડિયા અને હોન્ડા સહિત વિવિધ કાર નિર્માતાઓએ પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં ડીઝલથી ચાલતી કારનું ઉત્પાદન બંધ કરી દીધું છે. ગડકરીએ કહ્યું હતું કે દેશમાં ડીઝલ કારમાં પહેલેથી જ નોંધપાત્ર ઘટાડો થયો છે અને ઉત્પાદકોએ તેને બજારમાં વેચવાનું બંધ કરવું પડશે.
નવી દિલ્હીમાં એક કોન્ફરન્સમાં ગડકરીએ ઓટો કંપનીઓને કહ્યું કે, “બને તેટલી વહેલી તકે ડીઝલને અલવિદા કહી દો, નહીં તો અમે ટેક્સ એટલો વધારી દઈશું કે તમારા માટે આ વાહનોનું વેચાણ કરવું મુશ્કેલ થઈ જશે.” ગડકરીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ડીઝલ અને પેટ્રોલ વાહનો છોડીને EV અને રિન્યુએબલ એનર્જી તરફ વળો. અમે ઓટો ઉદ્યોગને પણ અશ્મિભૂત ઇંધણ એન્જિનથી આગળ વધવાની અપીલ કરીએ છીએ. તેઝડપી વિકાસ માટે અને વિશ્વ સાથે તાલમેલ જાળવી રાખવા માટે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાની જરૂર છે.