ચેન્નાઇ,
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નિતિન ગડકરીને ચેન્નઈથી રાનીપેટ નેશનલ હાઈવે વચ્ચે રોડ કનેક્ટિવિટીની દયનીય હાલત અંગે પત્ર લખીને ફરિયાદ કરી હતી. મુખ્યમંત્રીએ એવો દાવો કર્યો હતો કે હાલત તો એવી છે કે મારે બાય રોડ યાત્રા પડતી મૂકીને અમુક જિલ્લાની મુલાકાત માટે ટ્રેન મારફતે યાત્રા કરવી પડી હતી.
મુખ્યમંત્રી સ્ટાલિને કહ્યું કે આ રોડ ચેન્નઈ અને તેના પોર્ટ સાથે કાંચીપુરમ, વેલ્લોર, રાનીપેટ, હોસુર અને કૃષ્ણાગિરિમાં ઔદ્યોગિક સમૂહોને મહત્ત્વપૂર્ણ સંપર્ક પૂરું પાડે છે. સ્ટાલિને કહ્યું કે સંસદમાં કેન્દ્રીયમંત્રીએ આ મામલે ડીએમકે સાંસદ દયાનિધિ મારનના આગ્રહનો જવાબ ખૂબ જ સામાન્ય અને ગંભીર ન થઇને આપ્યો હતો. સ્ટાલિને કહ્યું કે એ દુર્ભાગ્યપૂર્ણ છે કે એવી ધારણા બંધાઈ છે કે રાજ્ય સરકાર એનએચએઆઈ સાથે સહયોગ નથી કરી રહી. તેમણે કહ્યું કે હું ગડકરીને વિશ્ર્વાસ અપાવું છું કે એ સત્ય નથી અને અમે અમારી તરફથી દરેક પ્રકારના પ્રયાસો કરી રહ્યા છીએ.