માર્ગ અકસ્માતની સાઇડ ઇફેક્ટ, ટીમ ઈન્ડિયાએ કિમત ચૂકવવી પડશે

નવીદિલ્હી,

ૠષભ પંત રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. તેમની કાર દિલ્હી-દેહરાદૂન હાઈવે પર ડિવાઈડર સાથે અથડાઈ હતી. સારી બાબત એ છે કે આ અકસ્માતમાં પંતનો જીવ બચી ગયો છે. આ અકસ્માતમાં પંતને ઘણી ઈજા થઈ છે. તેને દેહરાદૂનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પંતને માથા, પીઠ અને પગમાં ઈજા થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેના પગમાં ફ્રેક્ચર થયું છે. પંતના ઘા ઝડપથી રૂઝાઈ જશે, પરંતુ મેચ માટે તેને સંપૂર્ણ સ્વસ્થ થવામાં થોડો સમય લાગશે. એટલે કે, તેનો અર્થ એ છે કે તે ઓસ્ટ્રેલિયા સામેની મહત્વપૂર્ણ ટેસ્ટ શ્રેણી રમી શકશે નહીં. આ ટેસ્ટ શ્રેણી ભારત માટે મહત્વપૂર્ણ છે કારણ કે આ શ્રેણી ભારતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટિકિટ નિશ્ર્ચિત કરશે.

વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ફેબ્રુઆરીમાં ૪ ટેસ્ટ અને ૩ વનડે મેચની સિરીઝ માટે ભારત આવી રહી છે. ટેસ્ટ શ્રેણી ૯ ફેબ્રુઆરીથી રમાશે. આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં જે રીતે પંતનું બેટ ચાલ્યું હતું, ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં તેનું સ્થાન લગભગ નિશ્ર્ચિત થઈ ગયું હતું, પરંતુ હવે સ્થિતિ જોતા તેના માટે રમવું અશક્ય લાગે છે.

પંત પહેલાથી જ પીઠ અને ઘૂંટણની ઇજાઓ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. આ કારણે તેને શ્રીલંકા સામેની ટી-૨૦ અને વનડે શ્રેણીમાંથી પણ બહાર કરવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટે તેને બેંગ્લોરમાં જવા માટે કહ્યું હતું. પરિવાર સાથે નવું વર્ષ સેલિબ્રેટ કરીને તેઓ ત્યાં જવાના હતા, પરંતુ તે પહેલા જ અકસ્માત થયો હતો.

પંતે આ વર્ષે ૨૫ ્૨૦ ક્રિકેટમાં ૧૩૨.૮૪ના સ્ટ્રાઈક રેટથી ૩૬૪ રન બનાવ્યા છે. તેણે ૧૨ વન-ડેમાં ૯૬.૫૫ના સ્ટ્રાઈક રેટથી ૩૩૬ રન બનાવ્યા, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં પંતે આ વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું. તે આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ૬૮૦ રન બનાવનાર ભારતીય છે. તેણે ૧૨ ઇનિંગ્સમાં આ પરાક્રમ કર્યું હતું. તેણે ૨ સદી અને ૪ અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ ૯૦.૯૦ હતો. પંતની ઈજા બાદ હવે સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ઓસ્ટ્રેલિયા સીરીઝ માટે તેના સ્થાને કોણ લઈ શકે છે. જો પંત શ્રેણીમાંથી બહાર થઈ જાય છે, તો ભારતની ચેમ્પિયનશિપની આશાને મોટો ફટકો પડશે, કારણ કે ભારતને ફાઇનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયા સામે ૪માંથી ૩ ટેસ્ટ મેચ જીતવી પડશે.