પટણા, બક્સર જિલ્લા હેઠળના બ્રહ્મપુર વિધાનસભા ક્ષેત્રના રાષ્ટ્રીય જનતા દળના ધારાસભ્ય શંભુ નાથ સિંહ યાદવ અને તેની સાથે સંકળાયેલા લોકોના છુપાયેલા સ્થાન પર આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ના દરોડા પાડયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈડીની ટીમ બક્સર જિલ્લાના સદર, સિમરી, બ્રહ્મપુર અને ચક્કી બ્લોક વિસ્તારોમાં ધારાસભ્ય સાથે સંકળાયેલા ઓછામાં ઓછા સાત સ્થળોએ પહોંચી હતી અને તપાસ કરી હતી દરોડા માટે પટનાથી ઈડીની ૧૪ ટીમો રવાના થઈ હતી.
ધારાસભ્યનું પૈતૃક નિવાસ ચક્કી બ્લોક હેડક્વાર્ટરમાં છે. તેમની પાસે એક લોટ મિલ અને એક મોટી ખાનગી શાળા પણ છે. ધારાસભ્ય અહીં મોટી હોસ્પિટલ બનાવી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે ઈડીની ટીમ સવારે ૪:૦૦ વાગ્યે મિલમાં પહોંચી હતી. બ્રહ્મપુરના ધારાસભ્યને રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના ખૂબ નજીકના માનવામાં આવે છે. લાલુ અવારનવાર પોતાના અંગત સમારોહમાં હાજરી આપવા આવતા હોય છે. થોડા મહિના પહેલા આરજેડી પ્રમુખ પણ ધારાસભ્યના પુત્રના લગ્ન માટે ચક્કી પહોંચ્યા હતા અને ત્યાં તેમણે સારો સમય પસાર કર્યો હતો.
ગયા અઠવાડિયે આરજેડી પ્રમુખના મોટા પુત્ર અને બિહાર સરકારના પૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવ પણ અહીં આવ્યા હતા અને ધારાસભ્ય સાથે એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પટના બક્સર ફોર લેન પર બિહટા પાસે ધારાસભ્યની હોટલ છે. તેમની બીજી હોટેલ ઉત્તર પ્રદેશની સરહદ પર ગાઝીપુર બલિયા હાઈવે પર છે.