સુશાંત સિંહ કેસ : એન.સી.બી. ને રિયા ના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કનેક્શન ની જાણ થઇ

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત મામલે ડ્રગ કનેક્શનની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ને રોજ નવા નવા સંકેત મળી રહ્યા છે. આ કેસમાં એનસીબીને ખબર પડી ગઈ છે કે, રિયા નેધરલેન્ડ્સ, કેનેડા અને યુકેથી સુશાંતના ઘરના સરનામે ઉચ્ચ ગુણવત્તા ના ડ્રગ મંગાવતી હતી. આ માહિતીને પગલે, એનસીબી ડ્રગ્સ ની આંતરરાષ્ટ્રીય ગેંગ ની શોધ કરી રહી છે. ગુરુવારે એનસીબી ટીમના 3 સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેથી, આજે એનસીબી કચેરી માં સેનીટાઈઝેશન કરવામાં આવ્યું હતું. પરંતુ આજે પણ એનસીબીએ મુંબઇના અનેક વિસ્તારોમાં દરોડા પાડીને ડ્રગ કબજે કર્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર એનસીબીએ સુશાંત મૃત્યુ કેસમાં ડ્રગ કનેક્શન બદલ ફિલ્મ અભિનેત્રી રિયા ચક્રવર્તી, તેના ભાઇ શોવિક ચક્રવર્તી સહિત 18 લોકોની ધરપકડ કરી છે. રિયા ભાયખલ્લા જેલમાં બંધ છે. તપાસમાં તે એનસીબીને એક પછી એક મહત્વપૂર્ણ માહિતી આપી રહી છે. આ કિસ્સામાં, એનસીબીને ફિલ્મ જગતના ઘણા પ્રખ્યાત લોકોના નામ જાણવા મળ્યા છે. એનસીબી આ બધાને સમન્સ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. જો કે, ત્રણ લોકોના કોરોના સંક્રમિત થવાના કારણે એનસીબી ટીમની તપાસને અસર થઈ છે.