અમદાવાદ, અમદાવાદ રિવરફ્રન્ટ પર મંગળવારે એક યુવકની હત્યાની ઘટનાને કારણે ચકચાર મચી ગઈ હતી. આ તરફ હવે આ કેસમાં અનેક નવા ખુલાસા થયા છે. અમદાવાદ અને વિરમગામમાં થયેલી હત્યા વચ્ચે કનેક્શન મળી આવ્યું છે. વિગતો મુજબ ૩૦ ઓક્ટોબરે વિરમગામથી મળેલો મૃતદેહ રવિન્દ્ર લુહારનો હોવાનો ખુલાસો થયો છે. તો રવિન્દ્ર લુહાર અને સ્મિત ગોહિલ બન્ને મિત્રો હોવાની માહિતી સામે આવી છે. રવિન્દ્ર લુહારની હત્યામાં સ્મિત ગોહિલ અને અન્ય મિત્રની સંડોવણી હોવાની પોલીસને શંકા છે. જોકે હવે સ્મિત ગોહિલની પણ હત્યા થઈ જતાં પોલીસે આ મામલે ત્રીજા મિત્ર યશ રાઠોડની અટકાયત કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
મેટ્રો સિટી અમદાવાદના રિવરફ્રન્ટ પાસે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. જે બાદમાં પોલીસની ટીમો તપાસમાં લાગી હતી. જોકે હવે આ કેસમાં એક નવી બાબત સામે આવી છે. જે મુજબ અગાઉ ૩૦ ઓક્ટોબરે વિરમગામમાં જે યુવકની હત્યા કરાઇ તે રવિન્દ્ર લુહાર અને મંગળવારે જે યુવકની હત્યા થઈ તે સ્મિત ગોહિલ બંને મિત્રો હોવાનું સામે આવ્યું છે. જેથી હવે બંને મિત્રોની હત્યા બાદ અનેક સવાલો ઊભા થયા છે.
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ગત મંગળવારે સ્મિત રાજેશભાઇ ગોહિલની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ તરફ હવે એવું સામે આવ્યું છે કે, રિવરફ્રન્ટ પર હત્યા થયેલ સ્મિત ગોહિલના મિત્રની પણ હત્યા કરવામાં આવી છે. વિરમગામમાં ૩૦ ઓક્ટોબરે જે સળગાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો તે સ્મિતનો મિત્ર રવિન્દ્ર લુહાર હોવાનું સામે આવ્યું છે.
આ તરફ પ્રાથમિક તપાસમાં પોલીસને આ કેસમાં પૈસાની લેતીદેતીમાં રવિન્દ્ર લુહારની હત્યા થઇ હોવાની આશંકા સેવાઈ રહી છે. કારણ કે, રવિન્દ્રની હત્યાના સ્થળે સ્મિત ગોહિલ અને અન્ય મિત્રની હાજરી હોવાના પ્રમાણ મળી આવ્યા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. મહત્વનું છે કે છરી અને ગોળી મારીને રવિન્દ્રની હત્યા કરવામાં આવી છે. રવિન્દ્ર અને સ્મિતની હત્યા અન્ય મિત્રએ કર્યા હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
વિગતો મુજબ રિસાઈને ગયેલા મિત્ર રવિન્દ્ર લુહારને શોધવા સ્મિત ગોહિલ ગયો હતો. જોકે સ્મિત ગોહિલની પણ ગોળી મારીને કરાઈ હત્યા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સ્મિતની હત્યાનું રહસ્ય વધ્યું છે. આ બન્ને મિત્રોની હત્યા પાછળ શું કોઈ મોટું કારણ જવાબદાર છે? આ મામલે અમદાવાદ પોલીસ અને ક્રાઈમબ્રાન્ચે તપાસ શરૂ કરી હતી.
આ સમગ્ર મામલે મૃતક સ્મિત ગોહિલના પિતાએ વેદના વ્યક્ત કરી હતી. એકના એક દીકરાની હત્યાથી મૃતકના પિતાએ રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, રવિન્દ્ર લુહાર ૨ દિવસથી લાપતા હતો. રવિન્દ્રને શોધવા માટે સ્મિત ઘરેથી નીકળ્યો હતો. જોકે હવે ક્રાઈમબ્રાંચે યશ રાઠોડ નામના ત્રીજા મિત્રની અટકાયત કરી લીધી છે. હત્યા પાછળ પૈસાની લેતીદેતી હોવાની પોલીસને શંકા છે. નોંધનીય છે કે, હાલતો સ્મિત ગોહિલ અને રવિન્દ્ર લુહાર નામના બે મિત્રોની હત્યા બાદ પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ રહ્યા છે.