રિતિક રોશન પણ આલિયા અને શર્વરીની ’આલ્ફા’ બ્રિગેડમાં જોડાશે

યશરાજ ફિલ્મ સ્ટુડિયોની સ્પાય યુનિવર્સની થ્રિલર ફિલ્મ ’આલ્ફા’ માટે શર્વરી અને આલિયાએ શૂટિંગ શરૂ કરી દીધું છે. આલિયાએ ઓગસ્ટથી આ કામ શરૂ કર્યું છે. હવે એવા પણ અહેવાલો આવી રહ્યા છે કે રિતિક રોશન વાયઆરએફ ફ્રેન્ચાઈઝીમાં એજન્ટ કબીરનો રોલ કરી રહ્યો છે, તે પણ આ ફિલ્મમાં જોડાશે. ફિલ્મ સાથે જડાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર, આલિયા, શર્વરી અને રિતિક આવતા અઠવાડિયાથી કાશ્મીરમાં શૂટ કરશે.

’૨૪ ઓગસ્ટથી આલિયા અને શર્વરી કાશ્મીરમાં શૂટ કરશે. ટીમે ઘણી બારીકાઈપૂર્વક એક્શન સિક્વન્સ શૂટ કરવાનું આયોજન કર્યું છે. એવી પણ શક્યતા છે કે રિતિક પણ એક કેમિયો માટે તેમની સાથે શૂટ કરશે. પહેલી મહત્વની એક્શન સીક્વન્સમાં શર્વરીનું પાત્ર બૉબી દેઓલના પાત્ર સાથે લડતું દેખાશે, જે જોવું એક લ્હાવો હશે.’

આ પહેલાં એવી પણ ચર્ચાઓ ચાલી હતી કે રિતિક રોશનનું પાત્ર આ ફિલ્મમાં આલિયાના મેન્ટર તરીકે જોવા મળશે. આ અગાઉ એક સૂત્ર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ’આલ્ફા’ માટે ઓગસ્ટમાં કાશ્મીરમાં શૂટ કરવામાં આવશે, જે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા સુધી ચાલશે.