- દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત આઇપીએલ ૨૦૨૩માંથી બહાર થઈ ગયો.
નવીદિલ્હી,
દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત આઇપીએલ ૨૦૨૩માંથી બહાર થઈ ગયો છે. રિષભ પંતની હજુ પણ સારવાર ચાલી રહી છે અને ટીમના ક્રિકેટ ડિરેક્ટર સૌરવ ગાંગુલીએ માહિતી આપી છે કે હવે રિષભ પંત આઇપીએલની આગામી સિઝનમાં ભાગ લઈ શકશે નહીં. તેના બહાર નીકળવાના કારણે દિલ્હી કેપિટલ્સ ટીમને મોટો ફટકો પડ્યો છે.
વાસ્તવમાં રિષભ પંતનો ૩૦ ડિસેમ્બરે અકસ્માત થયો હતો. ડિવાઈડર સાથે અથડાયા બાદ તેની કાર પલટી ગઈ હતી અને આગ લાગી હતી. આમાં પંત ખરાબ રીતે ઘાયલ થયો હતો અને હાલમાં તેની મુંબઈમાં સારવાર ચાલી રહી છે. આ જ કારણ છે કે રિષભ પંત હવે આઇપીએલની આગામી સિઝનમાંથી બહાર થઈ ગયો છે.
સૌરવ ગાંગુલીની તાજેતરમાં દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેણે માહિતી આપી હતી કે પંત હવે આઇપીએલની આ સિઝનમાં રમી શકશે નહીં. સૂત્રો સાથેની વાતચીત દરમિયાન તેણે કહ્યું, રિષભ પંત આઇપીએલ માટે ઉપલબ્ધ રહેશે નહીં. ટીમ માટે આ એક શાનદાર આઇપીએલ હશે અને અમે સારું પ્રદર્શન કરીશું . પરંતુ રિષભ પંતની ગેરહાજરી ટીમ પર ચોક્કસપણે અસર કરશે.
જ્યારે, આ અગાઉ એવા અહેવાલો પણ આવ્યા હતા કે, રિષભ પંતની ગેરહાજરીમાં ડેવિડ વોર્નરને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. ડેવિડ વોર્નરને દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. એવા પણ સમાચાર છે કે સરફરાઝ ખાન આગામી સિઝનમાં વિકેટકીપરની ભૂમિકા ભજવશે.
વોર્નર ઉપરાંત ભારતીય નામ પર નજર કરીએ તો યુવા ખેલાડી પૃથ્વી શો પણ કેપ્ટનશીપનો દાવેદાર બની શકે છે. ભારતની અંડર-૧૯ ટીમ શૉની કપ્તાનીમાં વર્લ્ડ કપ જીતી ચૂકી છે, તથા તેની પાસે આઇપીએલમાં રમવાનો ૩-૪ વર્ષનો અનુભવ પણ છે.
રિષભ પંતની ઈજા વિશે વાત કરીએ તો તેને રમતના મેદાનમાં પાછો ફરવામાં ઓછામાં ઓછા ૬ મહિનાનો સમય લાગી શકે છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ હવે તેની સારવાર બીસીસીઆઇની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. બોર્ડ દ્વારા કોકિલાબેન હોસ્પિટલમાં તેમના ઘૂંટણનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ પંતનું આ ઓપરેશન સફળ રહ્યું હતું. હવે સૌથી મોટો સવાલ એ છે કે તે ક્યાં સુધી મેદાનમાં પરત ફરશે. તેની ગેરહાજરીમાં દિલ્હી કેપિટલ્સે પણ ટૂંક સમયમાં નવા કેપ્ટનની જાહેરાત કરવી પડશે.
અહીં તમને જણાવી દઈએ કે, રિષભ પંતને આઇપીએલ ૨૦૨૧ દરમિયાન દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેની કપ્તાનીમાં ટીમે સારું પ્રદર્શન કર્યું અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી. જોકે દિલ્હીની ટીમ ક્વોલિફાયર મેચમાં કેકેઆર સામે હારી ગઈ હતી.