અમદાવાદ,ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ૯ એપ્રિલ (રવિવારે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક મેચ રમાઈ હતી, જેને ચાહકો ઘણા વર્ષો સુધી ભૂલી શકશે નહીં. કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી આ મેચમાં રિંકુ સિંહ હિરો હતો. ડાબોડી બેટ્સમેન રિંકુ સિંહે મેચની છેલ્લી ઓવરમાં એવી શાનદાર રમત દેખાડી કે તેના વખાણ કરવા માટે શબ્દો ઓછા પડ્યા.
કોલકાતાને જીતવા માટે છેલ્લી ઓવરમાં ૨૯ રન બનાવવાના હતા અને તેની હાર લગભગ નિશ્ર્ચિત જણાતી હતી. ગુજરાત ટાઇટન્સના કાર્યકારી કેપ્ટન રાશિદ ખાને છેલ્લી ઓવર નાખવાની જવાબદારી ડાબા હાથના ઝડપી બોલર યશ દયાલને સોંપી હતી. યશ દયાલના પહેલા બોલ પર ઉમેશ યાદવે સિંગલ લઈને રિંકુ સિંહને સ્ટ્રાઈક આપી હતી. આ પછી રિંકુએ સતત પાંચ સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.
રિંકુ સિંહ પોતાની ટીમના કેપ્ટન નીતિશ રાણા આઉટ થયા બાદ ક્રિઝ પર આવ્યો હતો. ૨૫ વર્ષીય રિંકુએ પોતાની ઇનિંગની શરૂઆત ખૂબ જ ધીમી કરી હતી અને પહેલા ૧૪ બોલમાં માત્ર ૮ રન બનાવ્યા હતા. પરંતુ, રિંકુએ રમેલા છેલ્લા સાત બોલમાં તેણે ૪૦ રન બનાવ્યા હતા. એકંદરે, રિંકુ સિંહે ૨૧ બોલનો સામનો કર્યો અને અણનમ ૪૮ રન બનાવ્યા, જેમાં છ છગ્ગા અને એક ચોગ્ગાનો સમાવેશ થાય છે.
રિંકુની આઈપીએલ કારકિર્દીનો આ સર્વશ્રેષ્ઠ સ્કોર હતો.આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ ટીમ છેલ્લી ઓવરમાં આટલા રન બનાવીને મેચ જીતી હોય. અગાઉ આઇપીએલ ૨૦૧૬ માં, રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સ સામે છેલ્લી ઓવરમાં જરૂરી ૨૩ રન બનાવ્યા હતા. આ વિસ્ફોટક ઈનિંગ બાદ રિંકુ સિંહ આઈપીએલના સુપરસ્ટાર ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. રિંકુ સિંહની સ્ટોરી લાખો યુવાનો માટે પ્રેરણાદાયી છે.
રિંકુનો જન્મ ૧૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ ઉત્તર પ્રદેશના અલીગઢમાં થયો હતો અને તે ૫ ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે છે. રિંકુના પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ ગેસ સિલિન્ડરની ડિલિવરી કરતા હતા. રિંકુ બહુ ભણેલો ન હતો, જેના કારણે તેને કોચિંગ સેન્ટરમાં સફાઈ કામદારની નોકરી મળી. રિંકુને આ કામ કરવાનું મન ન થયું અને તેણે થોડા દિવસોમાં આ કામને અલવિદા કહી દીધું. આ પછી રિંકુએ પોતાનું ધ્યાન ક્રિકેટ પર કેન્દ્રિત કર્યું, જે તેની કારકિર્દીને ઉજ્જવળ બનાવી શકે. બે લોકો મોહમ્મદ જીશાન અને મસૂદ અમીને રિંકુ સિંહની કારકિર્દીને નવી ઉડાન આપવામાં મદદ કરી. મસૂદ અમીને નાનપણથી જ રિંકુને ક્રિકેટની ટ્રેનિંગ આપી છે, જ્યારે અંડર-૧૬ ટ્રાયલમાં બે વખત ફેલ થયા બાદ જીશાને આ ક્રિકેટરને ઘણી મદદ કરી હતી. ખુદ રિંકુ સિંહે પણ એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.
રિંકુની મહેનત આખરે ફળીભૂત થઈ જ્યારે ૨૦૧૪માં તેને ઉત્તર પ્રદેશ માટે લિસ્ટ-છ અને ટી ૨૦ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી. રિંકુ સિંહે પણ પંજાબ સામે બે વર્ષ બાદ ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. ત્યારપછી રિંકુએ પાછું વળીને જોયું નથી અને તેણે સ્થાનિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કર્યું છે. આઈપીએલ ૨૦૧૭ની હરાજીમાં, રિંકુને કિંગ્સ ઈલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ)એ ૧૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે તે સિઝનમાં તેને માત્ર એક જ મેચ રમવા મળી હતી.