અમદાવાદના વાસણા બેરેજ નજીકથી પસાર થતી ફતેવાડી કેનાલ પાસે રીલ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો સાથે ત્રણ લોકો કેનાલમાં ખાબકતાં બેના મૃતદેહ મળ્યા છે, જ્યારે એકની શોધખોળ યથાવત્ છે.
રીલ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો 3 યુવકો સાથે કેનાલમાં ખાબકી બુધવારે સાંજે યક્ષ, યશ અને ક્રિશ સ્કોર્પિયો લઈને ફતેવાડી કેનાલ પર રીલ બનાવવા માટે પહોંચ્યા હતા. કોઈ કારણોસર સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી અને ત્રણેય લાપતા બન્યા હતા. મોડી રાત્રિ સુધી શોધખોળ કર્યા બાદ પણ ત્રણેયનો પત્તો લાગ્યો ન હતો. શોધખોળ માટે રાત્રિના સમયે જ કેનાલમાં પાણી બંધ કરાવી દેવાયું હતું. ત્યારબાદ ગુરુવારે સવાલે વિશાલા તરફ શાસ્ત્રીબ્રિજના છેડા નજીક નદીમાંથી યક્ષ ભંકોડિયા અને યશ સોલંકીની લાશ મળી આવી હતી. જ્યારે ક્રિશ દવે હજી પણ લાપતા હોય તેની શોધખોળ કરવામાં આવી રહી છે. આ સમગ્ર બનાવમાં અકસ્માત પહેલાનો 10 મિત્રોનો રિલ બનાવતો વીડિયો અને અકસ્માત બાદ કેનાલમાં બચાવ કામગીરીનો વીડિયો પણ સામે આવ્યો છે.

વાસણા બેરેજ પાસે કેવી રીતે આવ્યા ખબર નથી’
કેનાલમાં લાપતા બનેલા યક્ષના પરિવારજને જણાવ્યું હતું કે, સાંજના સમયે નિયમિત સમય મુજબ તેના મિત્રોને મળવા માટે અને બહાર આંટો મારવા માટે ગયો હતો. મને ખબર નથી કે તેના મિત્રો સાથે તે અહીંયા આવ્યો હતો. મારા દીકરાને ગાડી ચલાવતા આવડતું નથી, મારો દીકરો 17 વર્ષનો છે અને ભણતો હતો. વાસણા બેરેજ પાસે કેનાલ નજીક કેવી રીતે આવ્યા તેની અમને ખબર નથી. રીલ બનાવવા આવ્યા હતા કે કેમ એની અમને ખબર નથી. મને સાંજે 7 વાગ્યાની આસપાસ તેના મિત્રનો ફોન આવ્યો હતો કે આવી ઘટના બની છે. તેની સાથે બીજા કોણ મિત્ર હતા તેની ખબર નથી.
