ગોધરા વન વિભાગના રાજગઢ રેન્જમાં રીંછ જીવ મળ્યું છે, બોરીયા ગામે એક સામાજિક કાર્યકરના ઘરે લગાવેલા CCTVમાં રસ્તા ઉપરથી પસાર થતું રીંછ કેમેરામાં કેદ થયું હતું. રીંછ આક્રમક સ્વભકઅવનું શાંતિપ્રિય પ્રાણી હોવા છતાં નાનકડા બોરીયા ગામમાં રીંછ ફરતું હોવાના સમાચારે લોકોમાં ભય ફેલાયો છે.
વન્યપ્રાણી વિભાગ વડોદરા વિભાગના રીંછના અભ્યારણ તરીકે ઓળખાતા રતનમહાલના કંજેટા રેન્જનો દેવગઢ બારીયાનો ઊંડા કોતરો અને પથ્થરોવાળા ડુંગરોનો ડીપ ફોરેસ્ટ વિસ્તાર ત્યાં ના જળ સ્ત્રોત અને ભરપૂર માત્રામાં જોવા મળતા ટીમરું, અલેડી, બોર, વાંસ જેવા ખોરાકથી ભરપૂર વૃક્ષો સાથેનું શાંત જંગલ અને ત્યાંની આબોહવા રીંછોને વસવાટ માટે અનુકૂળ આવતા ત્યાં રીંછની વસ્તી વધે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રતનમહાલ અભયારણ્યની કંજેટા રેંજના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જયંતી બારીયાએ હાલ આ અભયારણ્યમાં 69 રીંછ નોંધાયેલા હોવાનું જણાવ્યું છે. રતનમહાલનો વિસ્તાર દેવગઢ બારીયાથી ઘોઘંબા તરફ અને ત્યાંથી જાંબુઘોડા દીપડાઓના અભયારણ્ય સુધી ડુંગરો તેમજ જંગલથી જોડાયેલો છે. ભૂતકાળમાં જાંબુઘોડા અને ઘોઘંબા વચ્ચેના જાંબુઘોડા રેન્જના વિસ્તારમાં પણ રીછની ઉપસ્થિતિ જોવા મળી હતી.
ત્યારે ખૂબ લાંબા સમય પછી આ તરફના વિસ્તારમાં ગઈકાલે રાત્રે રાજગઢ રેન્જમાં રીંછની હાજરીએ સૌને ચોંકાવ્યા છે. રીંછ રતનમહાલ અભયારણ્યના વિસ્તારમાંથી ફરતું ફરતું આ વિસ્તાર સુધી આવ્યું હોવાનું અનુમાન લગાવવમાં આવી રહ્યું છે. ત્યારે આક્રમક પરંતુ શાંત સ્વભાવનું હોવાથી રાત્રી દરમ્યાન તે રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યું હશે. દિવસ ઉગતા તે જંગલના શાંત વિસ્તારમાં જતું રહેતું હોવાથી લોકોએ ડરવાની કોઈ જરૂર ન હોવાનું વન વિભાગના એક અધિકારી પાસેથી જાણવા મળ્યું છે.
ઘોઘંબાના બોરીયા ગામે રાત્રે જોવા મળેલું રીંછ એકલું આવી ચડ્યું હોઈ શકે કે પછી અન્ય રીંછ પણ સાથે હોઈ શકે છે, ત્યારે ગોધરા વિભાગના રાજગઢ રેન્જનો જંગલ વિસ્તાર પણ પથ્થરોના ડુંગરોવાળો હોય અત્રેના જંગલ વિસ્તારમાં અવરજવર કરતા હોવાની શક્યતાઓ વન વિભાગ ચકાસવાનો પ્રયાસ કરે તે જરૂરી છે. જો કે જાંબુઘોડા અભયારણ્યમાંથી દીપડાઓએ આ આખા વિસ્તાર ઉપર કબજો કરી લીધો હોય એવી સ્થિતી સામે દેવગઢબારિયા વિસ્તારમાંથી રીંછ આ તરફ આવીને વસે તેવી શક્યતાઓ ખૂબ જ નહિવત છે.