
રાજકોટ,
સૌરાષ્ટ્રના પીઢ ક્ષત્રિય અગ્રણી અને માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનુ આજે સવારે નિધન થયું છે. મહિપતસિંહ જાડેજા ગોંડલના રીબડા ગામનું બહુચર્ચિત નામ હતું. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્ય સભ્ય તરીકે ગોંડલમાંથી ચૂંટાઈને આવ્યા હતા. તેમના નિધનથી રાજ્યના ક્ષત્રિય સમાજમાં દુ:ખની લાગણી છવાઈ છે. મહિપતસિંહ જાડેજા ગુજરાતના ટોચના ક્ષત્રિય આગેવાન હતા. મહિપતસિંહ જાડેજાએ ધારાસભ્ય કાળ દરમિયાન સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા.તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.તેમના અંતિમ સંસ્કારમાં અનેક લોકો હાજર રહ્યાં હતાં.
મહિપતસિંહ જાડેજા સૌરાષ્ટ્રના રાજકારણનું મોટું અને બહુચર્ચિત નામ હતું. તેઓને સરકાર દ્વારા બારવટીયા પણ જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં તેઓ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તેઓ ગોંડલના ધારાસભ્ય બન્યા હતા. તેઓએ ક્ષત્રિય સેનાની પણ સ્થાપના કરી છે જેના તેઓ પ્રમુખ પણ બન્યા હતા.
ક્ષત્રિયોમાં વર્ચસ્વની લડાઈ માટે રીબડા હંમેશા ચર્ચાતું રહ્યું છે. ગોંડલનું અતિચર્ચાસ્પદ નામ એટલે મહિપતસિંહ ભાવુબા જાડેજા. ગરાસદારી ચળવળ અંતર્ગત ૧૯૫૨માં તેમની ધરપકડ થઈ. એક ઘા અને બે કટકાનો મિજાજ ધરાવતા મહિપતસિંહને એ સંદર્ભે ૧૯૫૭માં રાજકોટ, અમરેલી અને જૂનાગઢ એમ ત્રણ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરાયા. સરકાર દ્વારા ફરી ૧૯૬૩માં ત્રણ જિલ્લામાંથી હદપાર કરાયા, પરંતુ હાઇકોર્ટે તેમની માનહાની અંગે સરકારે વળતર ચૂકવવા આદેશ સાથે નિર્દોષ જાહેર કર્યા. ૧૯૮૬માં સૌરાષ્ટ્રભરમાં ચડ્ડીબનિયાનધારી ગેંગ દ્વારા તરખાટ મચાવાયો હતો. સૌરાષ્ટ્રમાં ૧૭ જેટલા પેટ્રોલ પંપ પર ત્રાટકી લૂંટ કરી ચડ્ડીબનિયાનધારી ગેંગે પોલીસની ઊંઘ હરામ કરી હતી, રીબડામાં મહિપતસિંહના પેટ્રોલ પંપ પર અઢારમી લૂંટ માટે ગેંગ ત્રાટકી લૂંટને અંજામ આપે એ પહેલા મહિપતસિંહે ગેંગના ૧૬ પૈકી બે લૂંટારાને ઝડપી લઇ પોતાની જોંગોજીપ પાછળ બાંધી તાલુકા પોલીસને સોંપી પોલીસને હંફાવતી ચડ્ડીબનિયારધારી ગેંગને મર્દાનગી સાથે નેસ્તનાબૂદ કરી હતી.