
નવીદિલ્હી,
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ટીમમાંથી બહાર ચાલી રહેલા પૂર્વ વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે અને ફાસ્ટ બોલર ઈશાંત શર્માને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં છે. બોર્ડની ૨૧મી ડિસેમ્બરે મળનારી બેઠક દરમિયાન ૨૦૨૨-૨૩ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદીને અંતિમ રૂપ અપાઈ શકે છે જેમાં આ બન્નેની છૂટ્ટી થવી નક્કી છે તો યુવા બેટર શુભમન ગીલ અને સૂર્યકુમાર યાદવને પ્રમોશન મળી શકે છે.
ભવિષ્યના ટી-૨૦ કેપ્ટનના રૂપમાં ઉભરી રહેલા હાર્દિક પંડ્યાને પણ ગ્રુપ ’સી’માંથી ગ્રુપ ’બી’માં પ્રમોશન મળવાની શક્યતા છે. આ બેઠકના એજન્ડામાં ૧૨ મુદ્દા સમાવિષ્ટ છે જે વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી યોજાશે. ભારતીય ટીમના ટી-૨૦ વર્લ્ડકપ અને બાંગ્લાદેશ વન-ડે પ્રદર્શનની સમીક્ષા એજન્ડામાં સામેલ નથી પરંતુ પ્રમુખને જરૂરી લાગે તો તેઓ આ મુદ્દાને પણ ચર્ચામાં લઈ શકે છે.
આ બેઠકનો મુખ્ય મુદ્દો સીનિયર પુરુષ અને મહિલા ટીમ માટે રિટેનરશિપ કરાર ઉપર ચર્ચા કરવાનો છે. ભારતીય ટીમમાં જગ્યા બનાવવાની દોડમાંથી લગભગ બહાર થઈ ચૂકેલા રહાણે અને ફાસ્ટ બોલર ઈશાંત શર્માની કોન્ટ્રાક્ટની યાદીમાંથી બહાર થવું લગભગ નક્કી જ છે. આ ઉપરાંત વિકેટકિપર-બેટર રિદ્ધિમાન સાહાને પણ બહાર કરવામાં આવશે કેમ કે તેને ૨૦૨૨ના વર્ષની શરૂઆતમાં જ જણાવી દેવાયું હતું કે હવે ફરીથી તેને ભારત માટે પસંદ કરવામાં આવશે નહીં.
બીસીસીઆઈ ચાર વર્ગમાં ખેલાડીઓને કેન્દ્રીય કરાર આપે છે જેમાં એ (વાર્ષિક સાત કરોડ રૂપિયા), ગ્રુપ-એ (વાર્ષિક પાંચ કરોડ રૂપિયા), ગ્રુપ-બી (વાર્ષિક ત્રણ કરોડ રૂપિયા) અને ગ્રુપ-સી (વાર્ષિક એક કરોડ રૂપિયા) સામેલ છે. બીસીસીઆઈ ખેલાડીઓના આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ઉપરાંત અનેક માપદંડને યાનમાં લઈને ખેલાડીઓને આ કરારમાં સામેલ કરે છે.