આરજી કાર કોલેજમાં ભ્રષ્ટાચાર: સીબીઆઈની ટીમના કોલકાતામાં ઘણી જગ્યાએ દરોડા

સીબીઆઈ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર તેની પકડ વધુ કડક કરી રહી છે. આરજી કાર હોસ્પિટલના જુનિયર ડૉક્ટરના બળાત્કાર-હત્યા કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ કોલકાતામાં ઘણી જગ્યાએ દરોડા પાડયા છે. આરજી કાર હોસ્પિટલમાં ભ્રષ્ટાચારના મામલામાં આ દરોડો પાડવામાં આવ્યા છે બીજી તરફ સીબીઆઈની એક ટીમ આરજી કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના ઘરે પણ પહોંચી હતી, પરંતુ લગભગ એક કલાક પછી તેમણે દરવાજો ખોલ્યો હતો. સીબીઆઈની એક ટીમ આરજી કાર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડો. દેવાશીષ સોમના ઘરે પણ પહોંચી હતી

દેબાશિષ સોમ સંદીપ ઘોષની ખૂબ નજીક માનવામાં આવે છે. દેબાશિષનું ઘર કોલકાતાના કેશ્તોપુરમાં છે. સીબીઆઇએ શનિવારે હોસ્પિટલમાં ભ્રષ્ટાચારના મામલામાં સંદીપ ઘોષ વિરુદ્ધ નવી એફઆઇઆર નોંધી છે. આ સર્ચ ઓપરેશન નાણાકીય ગેરરીતિના સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં કરવામાં આવી રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે સીબીઆઈને કોઈ કડી મળી છે.

સીબીઆઈની ઘણી ટીમો એંટલીમાં આરજી કાર હોસ્પિટલના ભૂતપૂર્વ સુપરિન્ટેન્ડેન્ટના ઘરે પહોંચી હતી. હાવડામાં આરજી કાર હોસ્પિટલના કોન્ટ્રાક્ટર બિપ્લબ સિન્હાના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઈની એન્ટી કરપ્શન યુનિટ કોલકાતામાં ઘણા સ્થળો પર દરોડા પાડી રહી છે. સીબીઆઈની ટીમો કોલકાતામાં કેટલાક અન્ય સ્થળો પર પણ દરોડા પાડી રહી છે, જેમાંથી હાવડા પણ એક સ્થાન છે. હોસ્પિટલ સાથે જોડાયેલા લોકોના ઘરોમાં પણ સીબીઆઈનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સી કોલકાતામાં આરોપીઓ અને તેના સહયોગીઓના છુપાયેલા સ્થળો સહિત અન્ય ૧૪ સ્થળો પર પણ દરોડા પાડી રહી છે. મેડિકલ કોલેજ ૯ ઓગસ્ટના રોજ તેના કોન્ફરન્સ હોલમાં જુનિયર ડોક્ટર સાથે કથિત બળાત્કાર અને હત્યા બાદથી સમાચારમાં છે. આ કેસમાં આરોપી સંજય રોયની ધરપકડ કરવામાં આવી છે. કલકત્તા હાઈકોર્ટના નિર્દેશો પર સીબીઆઈએ હત્યાની સાથે સાથે કથિત નાણાકીય અનિયમિતતાના કેસ નોંયા છે.