બેંગ્લુરુ: જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્ના સાથે સંબંધિત ’અશ્લીલ વીડિયો’ સામે આવ્યા બાદ કર્ણાટકના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે હવે કર્ણાટકના પૂર્વ સીએમ અને જેડી(એસ)ના નેતા એચડી કુમારસ્વામીએ પોતાની અને પોતાના પરિવારની છબી સ્વચ્છ ગણાવી છે. તેણે પોતાના ભત્રીજા પ્રજ્વલ રેવન્નાથી પણ પોતાને દૂર કર્યા છે. આ મામલે આજે કર્ણાટકના પૂર્વ સીએમ અને જેડી(એસ)ના નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું, અમે તેમને બચાવવાના નથી, અમે ગંભીર પગલાં લઈશું પરંતુ જવાબદારી સરકારની છે.
એચડી કુમારસ્વામીએ એક પ્રશ્ર્નના જવાબમાં કહ્યું કે માત્ર એક કાકા તરીકે જ નહીં પરંતુ દેશના એક સામાન્ય માણસ તરીકે આપણે આ ઘટના અંગે કડક વલણ અપનાવવું પડશે. આ શરમજનક મુદ્દો છે, અમે કોઈને બચાવી રહ્યા નથી. અમે આ પ્રકારની ગેરકાયદેસર વસ્તુઓ સામે લડી રહ્યા છીએ. સરકાર કોણ ચલાવી રહ્યું છે, તેમણે વાસ્તવિક ચિત્ર ઉજાગર કરવાનું છે અને સરકારે જમીની વાસ્તવિક્તા જાહેર કરવાની છે, મેં નહીં.
જેડી(એસ)ના નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું, આ અમારા પરિવારની છબીને ખતમ કરવાની કોંગ્રેસની ષડયંત્ર છે. આ ઘટનામાં દેવેગૌડા જીની ભૂમિકા શું છે કે મારી? તે બધી બાબતો માટે અમે જવાબદાર નથી. આ પ્રજ્વલ રેવન્નાનો અંગત મામલો છે. અને હું તેના (પ્રજ્વલ રેવન્ના)ના સંપર્કમાં નથી. નૈતિક રીતે તે સરકારની જવાબદારી છે. નૈતિક આધાર પર, અમે આ અંગે કેટલાક કડક નિર્ણયો લીધા છે.
અહીં કર્ણાટકમાં જેડીએસના સહયોગી ભાજપે પણ આ અંગે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે ભાજપનું વલણ સ્પષ્ટ છે કે અમે દેશની ’માતૃશક્તિ’, દેશની મહિલા શક્તિ સાથે ઊભા છીએ.