
વડોદરા,વડોદરાના નારેશ્ર્વર ચોકડી પાસે રેતી ભરેલા ડમ્પરની ટક્કરે આધેડનુ મૃત્યુ થઇ ગયુ છે. ભાણીના લગ્નની કંકોત્રી આપવા ગેયલા માસાનું અકસ્માતમાં મોત થયા બાદ રેતી ભરેલુ ડમ્પર ત્યાં જ મુકી ચાલક ફરાર થઇ ગયો હતો. નારેશ્ર્વર રોડ પર થયેલાં આ અકસ્માત બાદ અહીંના સાંસદ મનસુખ વસાવાનો રોષ ભભૂકી ઉઠ્યો છે.
સાંસદ મનસુખ વસાવાએ આ ઘટના અને આવી ઘણી ઘટનાઓ મુદ્દે રેતી માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. જો કાર્યવાહી નહીં થાય તો તેઓ ધરણા કરશે તેમ પણ વહીવટીદારોને ચિમકી આપી છે. મનસુખ વસાવાએ ઘણાં નેતાઓ અને સરકારી બાબુઓને આડે હાથે લેતા કહ્યું કે, આ સમગ્ર મામલે તંત્ર એટલે કાર્યવાહી નથી કરતું કારણ કે તેમાં ઘણાં નેતાઓના પણ હાથ છે.
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, આ ડમ્પરીયાઓ બેફામ હંકારે છે તેના માટે મેં વારંવાર રજૂઆતો પણ કરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ સ્થાનિક પોલીસ તંત્ર બે રોકટોક વગર જવા દે છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યના મુખ્યમંત્રીએ બેફામ હંકારતા અને રોયલ્ટી વિનાના ડમ્પરીયા સામે કાર્યવાહી કરવા આદેશ કરલા છે છતાં પણ સ્થાનિક તંત્ર કાર્યવાહી કરતું નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, આ અકસ્માત મામલે જો કાયદેસરની કાર્યવાહી નહી થાય તો અકસ્માત સ્થળે હું ધરણા કરીશ.સાંસદની ચીમકી બાદ રેત માફિયાઓ વિરૂધ કડક કાર્યવાહી કરવાની ખાત્રી આપી છે.