- પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં ચક્રવાત રેમલની અસર અંગે ચિંતા વ્યક્ત કરી.
કોલકતા, રેમલ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળમાં એટલી બધી તબાહી મચાવી છે કે અત્યાર સુધીમાં ૬ લોકોના મોત થયા છે અને ૨૯ હજારથી વધુ મકાનોને નુક્સાન થયું છે. વાવાઝોડાની સૌથી વધુ અસર દક્ષિણના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ ભાગોમાં ૨૧૪૦ થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે અને ૧૭૦૦ જેટલા વીજ થાંભલા પડી ગયા છે. પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં ચક્રવાત રેમલની અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે. ચક્રવાતમાં જીવ ગુમાવનારા અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક વળતરની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, માનવ જીવન છે. રેમલ દરિયાકિનારે અથડાયા પછી, ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાવા લાગ્યો છે અને ભારે તબાહી મચી છે.
ચક્રવાતને લઈને અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તે જણાવે છે કે ૨૭૦૦૦ મકાનો આંશિક રીતે અને ૨૫૦૦ને સંપૂર્ણ નુક્સાન થયું છે. જો અધિકારીઓનું માનીએ તો, આ આંકડા આગામી એક-બે દિવસમાં વધી શકે છે કારણ કે એવા ઘણા વિસ્તારો છે જ્યાં ચક્રવાત રીમાલથી થયેલા નુક્સાનનું આકલન કરવામાં આવી રહ્યું છે.અહેવાલ મુજબ, ચક્રવાત રેમલથી થયેલા નુક્સાન અંગે ઘણા જિલ્લાઓમાંથી હજુ પણ ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે અને નુક્સાનની ગણતરી કરવામાં આવી રહી છે. વહીવટીતંત્રે ૨ લાખથી વધુ લોકોને ૧૪૩૮ સુરક્ષિત આશ્રયસ્થાનોમાં શિટ કર્યા છે. ૩૪૧ રસોડા દ્વારા આ આશ્રયસ્થાનોમાં ખોરાક પહોંચાડવામાં આવી રહ્યો છે.
રેમલ વાવાઝોડાએ જે વિસ્તારોમાં સૌથી વધુ નુક્સાન કર્યું છે તેમાં કાકદ્વીપ, નામખાના, સાગર દ્વીપ, ડાયમંડ હાર્બર, ફ્રેઝરગંજ, બકખલી અને મંદરમણિનો સમાવેશ થાય છે. ચક્રવાતને કારણે પાળાઓમાં નાની-મોટી તિરાડો પડી હતી, જેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવ્યું હતું. જો કે, હજુ સુધી પાળાના ભંગ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. જે પણ જાણ કરવામાં આવી હતી તે નાની હતી અને તરત જ સુધારી લેવામાં આવી હતી.ચક્રવાતને કારણે અત્યાર સુધીમાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે. કોલકાતામાં એક મહિલા, દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં બે મહિલા, ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં એક અને પૂર્વ મેદિનીપુરમાં પિતા-પુત્રનું મોત થયું છે. ચક્રવાતને કારણે સૌથી વધુ નુક્સાન દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળ્યું છે.
ચક્રવાત રેમલ રવિવારે રાત્રે પશ્ર્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટક્યું હતું. તેની ટક્કર સાથે ઘણા વિસ્તારોમાં ભારે પવનની સાથે સાથે ભારે વરસાદ પણ જોવા મળ્યો હતો. ચક્રવાતને જોતા એનડીઆરએફની ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે. ચક્રવાત રેમલની અસર પશ્ર્ચિમ બંગાળની સાથે બાંગ્લાદેશમાં પણ જોવા મળી હતી.ચક્રવાતે બાંગ્લાદેશના દરિયાકાંઠાને તબાહ કરી નાખ્યું હતું, હજારો ઘરોનો નાશ કર્યો હતો, સીવોલ તોડ્યો હતો અને દક્ષિણપશ્ર્ચિમ દરિયાકાંઠાના વિસ્તારોમાં ઘણા ગામો અને નગરોમાં પૂર આવ્યું હતું. બાંગ્લાદેશમાં વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોત થયા છે, જ્યારે તોફાનથી ૩૫થી વધુ મકાનોને સંપૂર્ણ નુક્સાન થયું છે અને ૩૭.૫ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.