બોટાદ નજીક રેલવે ટ્રેક પર 4 ફૂટનો પાટાનો ટુકડો ઊભો કર્યો, ઓખા-ભાવનગર ટ્રેન અથડાઇ

ગુજરાતમાં 4 દિવસ પહેલાં સુરતના કીમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો પર્દાફાશ થયા બાદ આજે ફરી એકવાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે. બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રે રેલવે ટ્રેક પર 4 ફૂટ ઊંચા પાટાનો ટુકડો કોઇએ ઊભો કરી દીધો. મોડી રાત્રે ઓખા-ભાવનગર ટ્રેન તેની સાથે અથડાતા એન્જિન બંધ થઈ ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેન સહીસલામત ટ્રેક પર ઊભી રહી જતા હજારો લોકોના જીવ બચી ગયા હતા. ઘટનાની તપાસમાં ડોગ સ્ક્વોડ-ડ્રોન કેમેરાની પણ મદદ લેવાઇ રહી છે.

ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાની આશંકાએ પોલીસ તપાસ કરી રહી છે. રેલવે ટ્રેક પરથી લોખંડના ટુકડા મળ્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. હાલ બોટાદ પોલીસ, LCB, SOG સહિતની ટીમ આ બનાવ કઈ રીતે બન્યો તે અંગે તપાસ કરી રહી છે.

આ ઘટના અંગે બોટાદ જિલ્લા SP કે.એફ. બરોડિયાએ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લાના રામપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામથી 2 કિલોમીટરના અંતરે વહેલી સવારે પેસેન્જર ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર જતી હતી ત્યારે કોઈએ રેલવે ટ્રેકની વચ્ચે આશરે ચારેક ફૂટ લંબાઈનો જૂનો પાટાનો ટુકડો ઊભો કરી દીધો હતો. જેના લીધે ઓખા-ભાવનગર ટ્રેન અથડાતાં તે ઊભી રહી ગઈ હતી. ત્યારબાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા રાણપુર પોલીસને જાણ કરતા હાલ LCB, SOG સહિતની ટીમે આ અંગે તપાસ હાથ ધરી છે.