રિલાયન્સની જીયો ફાયનાન્સીયલે રૂા.૨ લાખ કરોડનું માર્કેટ કેપ હાંસલ કર્યુ

મુંબઈ, દેશના સૌથી મોટા કોર્પોરેટ ગૃહ તરીકે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એક બાદ એક નવા સિમાચિન્હો મેળવતી જાય છે અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની પ્રથમ રૂા.૨૦ લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવતી કંપની બની ગયા બાદ હવે તેની ફાયનાન્સીયલ કંપની જીયો ફાયનાન્સીયલ સર્વિસ રૂા.૨ લાખ કરોડનું માર્કેટ કેપ મેળવ્યું છે.

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેરનો ભાવ પણ તા.૨૩ના રોજ સૌથી ઉંચી સપાટીએ પહોંચ્યો છે. આજે રીલાયન્સ જીયો ફાઈનાન્સીયલનો શેરનો ભાવ રૂા.૩૨૬ થયો છે જેથી તેનું માર્કેટ કેપ વધીને રૂા.૨.૦૮ લાખ કરોડ નોંધાયું છે.

હાલ શેરબજારમાં કુલ ૩૯ કંપનીઓ રૂા.૨ લાખ કરોડ કે તેથી વધુનું માર્કેટ કેપ ધરાવે છે. જીયો ફાઈનાન્સીયલે ડિસેમ્બર કવાટરમાં રૂા.૨૯૩ કરોડનો નફો કર્યો છે.