
- વેપારી સમુદાય સાથે મળીને કામ કરે જેથી સાથે મળીને આપણે ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત-સમૃદ્ધ ભારત બનાવી શકીએ.: મુકેશ અંબાણી
મુંબઇ, રિલાયન્સની ૪૬મી એજીએમમાં કંપનીએ બોર્ડમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. નીતા અંબાણીએ કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. તે જ સમયે, કંપનીએ કહ્યું કે આજે બોર્ડ મીટિંગમાં આ ફેરફારને મંજૂરી આપવામાં આવી છે. બોર્ડમાં થયેલા આ ફેરફાર અંગે કંપનીએ એક્સચેન્જોને માહિતી આપી હતી કે આકાશ અંબાણી, અનંત અંબાણી અને ઈશા અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની નિમણૂક માટે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે બોર્ડે નીતા અંબાણીના રાજીનામાનો પણ સ્વીકાર કરી લીધો છે. નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશનને વધુ સમય આપવા માટે આરઆઇએલના બોર્ડમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે.
૪૬મી એજીએમને સંબોધતા મુકેશ અંબાણીએ કહ્યું કે ૧૫મી ઓગસ્ટે અમે આપણો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. વડા પ્રધાને તેમના ભાષણમાં કહ્યું હતું તેમ, આ ભારત અટક્તું નથી, થાક્તું નથી, હાંફતું નથી. …આ ભારતને રોકી શકાય નહીં. ચંદ્રયાન-૩ની સફળતા પણ આપણને એ જ કહે છે. ભવિષ્યમાં ભારત શું હાંસલ કરી શકે છે તેની શક્યતાઓ અમર્યાદિત છે. અમે છેલ્લા ૧૦ વર્ષમાં ૧૫૦ બિલિયનનું રોકાણ કર્યું છે. પ્રોજેક્ટ્સ ગમે તેટલા મોટા કે જટિલ હોય, અમે તેને વૈશ્ર્વિક ધોરણો સાથે પોસાય તેવા ખર્ચે સમય પહેલા પૂર્ણ કર્યા છે. સમય આવી ગયો છે કે વેપારી સમુદાય સાથે મળીને કામ કરે જેથી સાથે મળીને આપણે ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત-સમૃદ્ધ ભારત બનાવી શકીએ.
રિલાયન્સની આવક ૯.૭૪ લાખ કરોડ રહી છે. ચોખ્ખો નફો ૭૩ હજાર કરોડ થયો છે. નિકાસ રૂ. ૩.૪ લાખ કરોડ રહી છે. અમે તિજોરીમાં ટેક્સ તરીકે રૂ. ૧,૭૭,૧૭૩ કરોડનું યોગદાન આપ્યું છે. ૨.૬ લાખ નવી નોકરીઓનું સર્જન થયું છે. અમારા ઓન રોલ કર્મચારીઓ ૩.૯ લાખ છે.૪૬મી એજીએમને સંબોધતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ કહ્યું કે નવું ભારત આત્મવિશ્ર્વાસથી ભરેલું છે. તેમણે કહ્યું કે જી-૨૦નું ભારતીય પ્રમુખપદ ઐતિહાસિક છે. ૪૬મી એજીએમ પહેલા, રિલાયન્સ રિટેલે જાહેર કર્યું કે ક્તાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી તેના રિટેલ ડિવિઝનમાં લગભગ ૧ ટકા હિસ્સો હસ્તગત કરવા માટે તૈયાર છે. આ ટ્રાન્ઝેક્શન દેશના અગ્રણી રિટેલ સમૂહનું બજાર મૂલ્ય ઇં૧૦૦ બિલિયન સુધી લઈ જશે. અંબાણીના રિટેલ એન્ટરપ્રાઈઝનું મૂલ્યાંકન પાસ થયું.