ભચાઉના ચકચારી બુટલેગર સાથે ખેપ મારતી અને પોતાને સેલિબ્રિટી માનતી નીતા ચૌધરી ખુદ રાજસ્થાનથી બિયર અને દારૂની બાટલીઓ ભરીને કચ્છ આવી રહી હતી ત્યારે રસ્તામાં જ ભચાઉના બુટલેગરનો સંપર્ક થતાં બન્ને એકી સાથે ગાંધીધામ તરફ મંડાણ કર્યા હોવાનું સામે આવ્યું છે.
સફેદ કલરની થાર જીપ સાથે જુદીજુદી રીલ્સ બનાવવાનો અભરખો રાખતી અને ગાંધીધામ સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર સાથે દારૂના જથ્થામાં પકડાતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો જેને લઈ પોલીસ વધુ તપાસ હાથ ધરતા ચોકાવનારી વિગતો બહાર આવવા પામી છે. ગાંધીધામ સીઆઈડી ક્રાઈમમાં પ્રતિનિયુક્તીની ફરજ પર મુકાયેલ ૩૪ વર્ષીય મહિલા કોન્સ્ટેબલ નીતા વશરામ ચૌધરી અવારનવાર નવી નવી રીલ્સ બનાવાનો શોખ ધરાવતી હોવાનું સોશિયલ મિડિયાના ઇન્સ્ટાગ્રામની આઇડી ગવાહી આપે છે. મહત્વની બાબત એ છે, કે થોડાજ સમય પૂર્વે બુટલેગર યુવરાજસિંહ જાડેજા મહિલા કોન્સ્ટેબલ બન્ને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.
આ મામલામાં પૂર્વ કચ્છ પોલીસને બુટલેગરને પકડવાની બાતમી મળી હતી, જોકે પોલીસે થાર જીપમાં સવાર બુટલેગરને જીપને ઉભી રાખવાનો પ્રયત્ન કર્યો’તો, આ દરમિયાન ફરજ પરના પોલીસ સ્ટાફ પર થાર જીપ ચડાવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે પોલીસે સ્વબચાવમાં થાર જીપના બમ્પર ગાર્ડ પર એક રાઉન્ડ ફાયર કર્યો હતો. અને છેવટે પોલીસે થાર જીપના કાચ તોડી આરોપીને પકડી પાડયો હતો. જીપમાંથી બે બિયરના ટીન સહિત જુદીજુદી બ્રાન્ડની ૧૮ દારૂની બાટલીઓ જપ્ત કરી હતી જે રાજસ્થાનથી મહિલા કોન્સ્ટેબલ લઈ આવી રહી હોવાનું ખુલવા પામ્યું છે.
હાલ આ સમગ્ર મામલે પૂર્વ કચ્છ પોલીસે બુટલેગર યુવરાજસિંહ જાડેજા અને તેની મદદગારીમાં રહેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા વશરામ ચૌધરીની જુદી જુદી રાહે સઘન પુછપરછ કરતાં બુટલેગરનો મોબાઈલ ગુમ થઈ ગયાનું સામે આવ્યું છે, જે આ તપાસમાં મહત્વની કડી મનાય છે, તો બીજી તરફ સસ્પેન્ડ કરાયેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સોપારીકાંડ અને કેટલાક પોલીસ અધિકારીઓના ગુનાની તપાસમાં સંકળાયેલ હોઇ નીતા ચૌધરીને ખોટી રીતે આ પ્રકરણ ફસાવવામાં આવી રહ્યાનું ચર્ચાઇ રહ્યું છે ! તદુપરાંત સસ્પેન્ડ કરી દેવાયેલ નીતા ચૌધરી સામે વધુ શું પગલાં ભરાય છે, કઇ રીતે આ કેસમાં તપાસ આગળ ધપાવાય છે ? હાલ આ તમામ સવાલ ચર્ચાના કેન્દ્ર બન્યા છે.