રેપો રેટને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં વધતી જતી ફુગાવાને યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેની ઓગસ્ટની નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટને પહેલાની જેમ ૬.૫ ટકા પર જાળવી રાખ્યો છે. આ સતત ૯મી વખત છે જ્યારે મોનેટરી પોલિસી કમિટી ની બેઠકમાં રેપો રેટને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેપો રેટ છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૩માં બદલાયો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની એમપીસી બેઠકના પરિણામો આવી ગયા છે. સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે સવારે ૧૦ વાગ્યે બજેટ પછી યોજાયેલી પ્રથમ નાણાકીય નીતિ સમિતિની બેઠકના પરિણામોની જાહેરાત કરતા કહ્યું કે, આ વખતે પણ નીતિ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે તમારી લોનની ઇએમઆઇ ન તો વધશે કે ઘટશે. સતત નવમી વખત રિઝર્વ બેંકે પોલિસી રેટને ૬.૫ ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
શક્તિકાંત દાસે કહ્યું કે, ૬ માંથી ૪ સભ્યો રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાના પક્ષમાં હતા. રેપો રેટ અંગે જાહેરાત કરવાની સાથે તેમણે વૈશ્ર્વિક સંકટ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ભારતમાં ફુગાવાનો દર હજુ પણ આરબીઆઇ દ્વારા નિર્ધારિત ૨-૬%ની રેન્જમાં છે. જૂનમાં રિટેલ મોંઘવારી દર ૫.૦૮ ટકાના ચાર મહિનાના ઉચ્ચ સ્તરે હતો. જ્યાં સુધી છૂટક ફુગાવાના દરમાં ઘટાડો ન થાય ત્યાં સુધી રેપો રેટમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે. નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેંકે છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૩માં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો અને તેને વધારીને ૬.૫ ટકા કર્યો હતો. ત્યારથી, આરબીઆઈએ સતત ૭ વખત તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. નોંધનીય છે કે રિઝર્વ બેંકે છેલ્લે ગયા વર્ષે ૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ રેપો રેટમાં ફેરફાર કર્યો હતો.
આરબીઆઇ અને એમપીસી મીટિંગ દર બે મહિને યોજાય છે અને રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ સહિત છ સભ્યો ફુગાવા અને અન્ય મુદ્દાઓ અને ફેરફારો વિશે ચર્ચા કરે છે. તમને જણાવી દઈએ કે, રેપો રેટનો સીધો સંબંધ બેંક લોન લેનારા ગ્રાહકો સાથે છે. તેના ઘટવાથી લોનની ઇએમઆઇ ઘટે છે અને તેના વધવાને કારણે તે વધે છે. વાસ્તવમાં રેપો રેટ એ દર છે કે જેના પર દેશની મધ્યસ્થ બેંક ભંડોળની અછતના કિસ્સામાં વ્યાપારી બેંકોને નાણાં ઉછીના આપે છે. રેપો રેટનો ઉપયોગ મોનેટરી ઓથોરિટી દ્વારા ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે.