આરબીઆઇના નિર્ણય બાદ જ્વાળામુખી મંદિરમાં એક ભક્તે રૂ.૨૦૦૦ ની ૪૦૦ નોટ ચઢાવી

  • ઘણીવાર માતાના ચરણોમાં આવો પ્રસાદ ચઢાવવામાં આવે છે : મંદિરના જુનિયર એન્જિનિયર સુરેશ કુમાર

શિમલા, બેન્કોએ રૂપિયા ૨૦૦૦ ની નોટ બેંકે પરત લેવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ઘણા લોકો એવા છે કે જેમની પાસે ૨૦૦૦ રૂપિયાની નોટો વધારે છે તો ઘણા લોકોએ કેટલાક સમયથી આ નોટનો ઉપયોગ (લેવાનું-આપવાનું) કરવાનું બંધ કરી દીધું હતું. જોકે, આરબીઆઇના આ નિર્ણય બાદ ઘણા લોકોના મનમાં એક ગભરાટનો માહોલ છે. આ નિર્ણય બાદથી વ્યાપારીઓએ ૨૦૦૦ રૂપિયાની નોટ લેવાનું બંધ જ કરી દીધું છે. આ વચ્ચે એક સમાચાર મળી રહ્યા છે કે, એક શખ્સે જ્વાળામુખી મંદિરમાં પહોંચી રૂ.૨૦૦૦ ની ૪૦૦ નોટો માતાના દરબારમાં અર્પણ કરી છે.

દેશની તમામ બેંકોમાં ૨૦૦૦ની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ૩ દિવસ પહેલા ૧૯ મેના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ ૨૦૦૦ની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. ગ્રાહકો ૩૦ સપ્ટેમ્બર સુધી બેંકોમાં ૨૦૦૦ની નોટ બદલાવી અથવા તેમના ખાતામાં જમા કરાવી શકશે.આરબીઆઇની સમયમર્યાદા પછી પણ ૨૦૦૦ની નોટ કાયદેસર રહેશે. એટલે કે હાલની નોટો અમાન્ય રહેશે નહીં. લોકોને આ નોટો જલ્દીથી બેંકોમાં પરત કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે જ અંતિમ તારીખ છે. લોકોએ બેંક તરફ જવાનું શરૂ કરી દીધું છે. ત્યારે એક શખ્સે દેશમાં ૨ હજાર રૂપિયાની નોટો બંધ થવાની માહિતી બાદ હિમાચલ પ્રદેશના મા જ્વાલામુખી મંદિરમાં ૨ હજાર રૂપિયાની ૪૦૦ નોટો એટલે કે ૮,૦૦,૦૦૦ ની નોટ ચઢાવી હતી. હવે આ રકમ ચર્ચાનો વિષય બની છે. મળતી માહિતી મુજબ મંદિરમાં અકબરની છત્રી પાસે રાખવામાં આવેલી દાનપેટીમાં આ રકમ ચઢાવવામાં આવી હતી.

રૂ.૨૦૦૦ની નોટ પર પ્રતિબંધ મૂક્યા પછી તુરંત જ એક ભક્ત દ્વારા ૨૦૦૦ની ૪૦૦ નોટો ઓફર કરવાથી ઘણા સવાલો ઉભા થયા છે. મંદિરના જુનિયર એન્જિનિયર સુરેશ કુમારે જણાવ્યું કે, માતાના દરબારમાં ઘણા મોટા ભક્તો આવે છે, જે ઘણીવાર માતાના ચરણોમાં આવો પ્રસાદ ચઢાવે છે. મા જ્વાલામુખીના દરબારમાં ચઢાવવામાં આવેલી આ રકમ મંદિરમાં ભક્તોની સુવિધા માટે ખર્ચવામાં આવશે. મ્યુનિસિપલ કાઉન્સિલ જ્વાલામુખીના અધ્યક્ષ ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે, સપ્ટેમ્બર સુધી બેંકમાં ૨૦૦૦ રૂપિયાની નોટ બદલી શકાશે. આવી સ્થિતિમાં, જો જ્વાળામુખીના દરબારમાં ૨,૦૦૦ રૂપિયાની નોટ આવે છે, તો ચોક્કસપણે મંદિરને તેનો ફાયદો થશે. આ પૈસા મંદિરના વિકાસ કામો પાછળ ખર્ચવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૦૦ રૂપિયાની નોટ હટાવવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે નાણા સચિવ ટી.વી. સોમનાથને કહ્યું કે આ નોટબંધી નથી, માત્ર રૂ. ૨,૦૦૦ની નોટો બદલવામાં આવી રહી છે. જો કે નોટો બદલવાના સમાચાર આવતાની સાથે જ લોકોમાં અનેક પ્રકારની મૂંઝવણ અને સમસ્યાઓ વધી ગઈ છે. આ વખતે ૨૦૦૦ રૂપિયાની નોટબંધીનો નિર્ણય ૨૦૧૬ના નોટબંધીથી અલગ છે કારણ કે ૨૦૦૦ રૂપિયાની નોટ લીગલ ટેન્ડર મની તરીકે ચાલુ રહેશે. એટલે કે જો કોઈની પાસે બે હજાર રૂપિયાની નોટ છે તો તેની માન્યતા યથાવત રહેશે. આવી સ્થિતિમાં, કોઈ તમારી આ નોટ લેવાનો ઇનકાર કરશે નહીં. જો કે આ નોટો ૩૦ સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં જઈને બદલવી પડશે.