આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન ભારત જોડો યાત્રામાં જોડાયા, રાહુલ ગાંધીનો હાથ પકડ્યો

  • રાજન ભારત જોડો યાત્રામાં સામેલ થતાં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.

સવાઈમાધોપુર,

આજે બુધવારે રાહુલ ગાંધીની ’ભારત જોડો યાત્રા’નો રાજસ્થાનમાં ૧૦મો દિવસ હતો આજે બુધવારે સવાઈ માધોપુરના ભાદોતીથી ભારત જોડો યાત્રા નીકળી હતી. રાહુલ ગાંધીની યાત્રા આજે દૌસા જિલ્લામાં પ્રવેશ કરશે. આ યાત્રા સવારે ૧૦ વાગ્યે બામણવાસના બાઢહશ્યામપુરા ટોંડ પહોંચી હતી અહીં મુસાફરો ટોંડમાં બપોરનું ભોજન લીધુ હતું ત્યારબાદ યાત્રાનો બીજો તબક્કો બપોરે ૩:૩૦ વાગ્યાથી શરૂ થઇ હતી આ યાત્રામાં આરબીઆઇના પૂર્વ ગવર્નર એન. રઘુરામ રાજને પણ ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અને રઘુરામ રાજન વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. યુપીએ સરકારમાં રઘુરામ રાજનને આરબીઆઈના ગવર્નર બનાવવામાં આવ્યા હતા. રઘુરામ રાજન આથક મુદ્દાઓ પર પોતાના નિખાલસ વિચારો માટે જાણીતા છે. એન રઘુરામ રાજને રાહુલ ગાંધી સાથે હાથ મિલાવ્યા હતો. રઘુરામ રાજને ભદોતીથી ચાલવાનું શરૂ કર્યું અને રાહુલ ગાંધી સાથે લાંબી ચર્ચા કરી.

નોંધનીય છે કે ભારત જોડો યાત્રામાં વિવિધ ક્ષેત્રની જાણીતી હસ્તીઓ સતત જોડાઈ રહી છે. અગાઉ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક લોકો આ યાત્રામાં ભાગ લેવા આવ્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલટ, ગોવિંદ સિંહ દોતાસરા અને પ્રતાપ સિંહ ખાચરિયાવાસ પણ રાહુલ ગાંધીની યાત્રામાં સાથે હતા.

તમને જણાવી દઈએ કે મનમોહન સિંહ જ્યારે પીએમ હતા ત્યારે રઘુરામ રાજનને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર બનાવવામાં આવ્યા હતા અને જ્યારથી તેઓ સત્તામાં આવ્યા છે ત્યારથી રાજન ખુલ્લેઆમ મોદી સરકારની ટીકા કરી રહ્યા છે. રાજને અનેક વખત કેન્દ્ર સરકારની આથક નીતિઓ પર પ્રહારો કર્યા છે અને સુધારાની વાત કરી છે. આવી સ્થિતિમાં રાજનની ભારત જોડો યાત્રામાં સામેલ થયા બાદ અને રાહુલ ગાંધી સાથે તાલ મિલાવીને તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.

બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે મંગળવારે કહ્યું કે ૧૬ ડિસેમ્બરે યાત્રાના ૧૦૦ દિવસ પૂર્ણ થઈ રહ્યા છે, આ અવસર પર રાહુલ ગાંધી જયપુર જશે જ્યાં તેઓ તમામ યાત્રીઓ સાથે સુનિધિ ચૌહાણના મ્યુઝિક ઈવેન્ટમાં સામેલ થશે. મળતી માહિતી મુજબ, યાત્રાના ૧૦૦ દિવસ પૂરા થવાના અવસર પર કોંગ્રેસ શુક્રવારે જયપુરમાં કોન્સર્ટનું આયોજન કરશે. તે જ સમયે, પાર્ટીના મહાસચિવે એ પણ કહ્યું કે ૧૯ ડિસેમ્બરે અલવરમાં એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવશે. આ પહેલા દલિતોના મુદ્દાઓ પર કામ કરતી વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા ૩૦ જેટલા દલિત કાર્યર્ક્તાઓ પણ રાહુલ ગાંધીને મળ્યા હતા.