રવીન્દ્ર જાડેજા બન્યો નંબર ૧, વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ વનડેમાં બનાવ્યો રેકોર્ડ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ વનડે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચમાં પ્રથમ ઓવરથી ભારતીય બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમ 23 ઓવરમાં 114 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાના બોલરોએ શાનદાર પ્રદર્શનના દમ પર અનેક મોટા રેકોર્ડ ચકનાચૂર કરી દીધા છે. 

રવીન્દ્ર જાડેજાએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ વનડે મેચમાં રેકોર્ડ બનાવી દીધો છે. જાડેજા હવે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે. જાડેજાની વિન્ડીઝ વિરુદ્ધ 44 વિકેટ થઈ ગઈ છે. તેણે પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ (43) ને પાછળ છોડ્યા છે. તો જાડેજાએ આ મેચમાં 41 વિકેટ લેવાની સાથે અનિલ કુંબલેને પાછળ છોડી દીધો હતો. 

આ સિવાય મોહમ્મદ શમીનું નામ પણ આ લિસ્ટમાં છે. શમીએ વેસ્ટ ઈન્ડિઝ સામે 37 વિકેટ લીધી છે. યાદીમાં 5મું નામ હરભજન સિંહનું છે. હરભજને વેસ્ટ ઈન્ડિઝ સામે કુલ 33 વિકેટ ઝડપી છે. જાડેજા આ યાદીમાં ટોચ પર છે અને હવે આ શ્રેણીમાં વધુ 2 મેચ બાકી છે. આવી સ્થિતિમાં જડ્ડુ પાસે પોતાની લીડને વધુ વધારવાની સારી તક છે.

વનડેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય દ્વારા સૌથી વધુ વિકેટ લેનાર બોલર:
44- રવિન્દ્ર જાડેજા
43- કપિલ દેવ
41- અનિલ કુંબલે
37- મોહમ્મદ શમી
33- હરભજન સિંહ

ભારતીય બોલરોએ વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ વનડેમાં શાનદાર પ્રદર્શન કર્યું. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. તો જાડેજાને ત્રણ સફળતા મળી હતી. આ સિવાય શાર્દુલ ઠાકુર, મુકેશ કુમાર અને હાર્દિક પંડ્યાને એક-એક વિકેટ મળી હતી.