રવિ બિશ્ર્નોઈ ટી ૨૦ વર્લ્ડ કપ પહેલા ભારતના ત્રીજા સ્પિન વિકલ્પ તરીકે ઉભરી આવ્યો

મુંબઇ, ભલે ભારતીય ટીમ વર્લ્ડ કપમાં અંતિમ અડચણને પાર કરી શકી ન હતી, પરંતુ તેણે ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમે સતત ૧૦ મેચ જીતીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું હતું. ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ ટીમ ઈન્ડિયાની નજર હવે આવતા વર્ષે યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપ પર છે. તે માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. રાહુલ દ્રવિડ અને તેની કોચિંગ ટીમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓ ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળી શકે છે. ઓસ્ટ્રેલિયા સામેના પ્રદર્શન બાદ યુવા ખેલાડીઓએ પણ પોતાનો દાવો મજબૂત કર્યો છે.

રવિ બિશ્ર્નોઈએ ઓસ્ટ્રેલિયા સામેની ટી ૨૦ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને તે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો. જમણા હાથના લેગ સ્પિનરે પાંચ મેચમાં નવ વિકેટ લીધી અને આગામી ટી ૨૦ વર્લ્ડ કપ માટે પોતાનો દાવો મજબૂત કર્યો. તેની દક્ષિણ આફ્રિકા સામેની ટી-૨૦ શ્રેણી માટે પણ પસંદગી કરવામાં આવી છે. ત્યાં ત્રણ ટી-૨૦ મેચ રમાવાની છે. તે પછી ભારતે જાન્યુઆરીમાં ઘરઆંગણે અફઘાનિસ્તાન સામે ત્રણ ટી-૨૦ મેચ રમવાની છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા સીધી ટી ૨૦ વર્લ્ડ કપમાં પ્રવેશ કરશે. જોકે, ખેલાડીઓને આઈપીએલમાં પોતાને તૈયાર કરવાની અને સાબિત કરવાની તક મળશે.

વર્તમાન પ્રદર્શનને જોતા ટીમમાં કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાનું સ્થાન નિશ્ર્ચિત માનવામાં આવે છે. હવે ત્રીજા સ્પિનરની પસંદગી થશે. જો આપણે તાજેતરના પ્રદર્શન પર નજર કરીએ તો, રવિ બિશ્ર્નોઈ અન્ય ખેલાડીઓ કરતા આગળ હોવાનું જણાય છે. તેને અક્ષર પટેલ અને યુઝવેન્દ્ર ચહલની સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયા સામે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ મેચમાં રવિ બિશ્ર્નોઈએ ચાર ઓવરમાં ૫૪ રન આપ્યા હતા. આ પછી તેણે શાનદાર વાપસી કરી અને ચુસ્ત બોલિંગ કરી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેથ્યુ વેડે પણ સ્વીકાર્યું કે તેના બોલ રમવા માટે સરળ નથી. વેડે કહ્યું, “તેમના સ્પિનરોએ સારું પ્રદર્શન કર્યું. બિશ્ર્નોઈએ ખાસ કરીને ચારેય મેચોમાં શાનદાર બોલિંગ કરી હતી. તેને રમવું સરળ નહોતું.

શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરને કહ્યું, “બિશ્ર્નોઈ અન્ય લેગ સ્પિનરોથી અલગ છે. તે ઝડપી બોલિંગ કરે છે અને બોલને સ્લાઈડ કરે છે. તેમને મદદરૂપ વિકેટો પર રમવું ખૂબ મુશ્કેલ છે.

રવિ બિશ્ર્નોઈએ ભારત માટે ૨૧ ટી૨૦ મેચ રમી છે અને અત્યાર સુધીમાં તેણે ૩૪ વિકેટ લીધી છે. તેણે ૫૨ આઇપીએલ મેચમાં ૫૩ વિકેટ લીધી છે. બીજી તરફ ચહલે ૮૦ ટી૨૦ મેચ રમી છે અને ૯૬ વિકેટ લીધી છે. તેણે ૧૪૫ આઇપીએલ મેચમાં ૧૮૭ વિકેટ લીધી છે.