રતલામ મંડળના બામણીયા નજીક રેલ માર્ગ ઉપર ટ્રક ચાલકે ક્રોસીંગ તોડી બાઈક સવાર બે વ્યકિત તેમજ અન્ય બે વ્યકિત અડફેટમાંં લેતા બેના મોત

દાહોદ,

રતલામ મંડળના બામણીયા નજીક માર્ગ અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે. જેમાં આ માર્ગ અકસ્માત દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પર બનવા પામયો છે જેમાં એક ટ્રક ચાલકે મોટરસાઈકલ સવાર બે વ્યક્તિઓ તેમજ અન્ય બે વ્યક્તિઓને અડફેટમાં લેતાં મોટરસાઈકલ પર સવાર બે વ્યક્તિઓના ઘટના સ્થળ પરજ પ્રાણ પંખેરૂં ઉડી ગયાં હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર હાલતમાં નજીકના દવાખાને સારવાર લઈ રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

રતલામ મંડળના બામણીયા નજીક દિલ્હી – મુંબઈ રેલ માર્ગ ઉપર આજરોજ એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતો હતો અને રેલ લાઈનની ક્રોસીંગ તોડી પસાર થઈ રહ્યો હતો. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ મોટરસાઈકલ પર સવાર બે વ્યક્તિઓને અને અન્ય બે વ્યક્તિઓ મળી કુલ ચારને અડફેટમાં લેતાં ટ્રકની અડફેટમાં મોટરસાઈકલ પર સવાર બે વ્યક્તિઓ આવી જતાં બંન્ને વ્યક્તિઓના ઘટના સ્થળ પર પ્રાણ પંખેરૂ ઉડી જવા પામ્યાં હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે રેલ લાઈન પર બનેલ આ માર્ગ અકસ્માતને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. સ્થાનીક પોલીસ તેમજ રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. બંન્ને મૃતકોની લાશને નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવ્યાં હતાં અને ગંભીર ઈજાગ્રસ્ત અન્ય બે વ્યક્તિઓ હાલ સારવાર લઈ રહ્યાં છે. ત્યારે આ રેલ્વે લાઈન પર માર્ગ અકસ્માતના બનાવને પગલે દિલ્હી – મુંબઈનો રેલ માર્ગ પણ ખોરવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. બામણીયાના આ રેલ્વે ક્રોસીંગ પર ભુતકાળમાં પણ અનેક માર્ગ અકસ્માતો થયાં હતાં અને કેટલાંક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યાં હતાં. સ્થાનીક લોકો અને સ્થાનીક નેતાઓએ અહીં ઓવર બ્રિજ બનાવવાની માંગ પણ કરવામાં આવી હતી પરંતુ હાલ સુધી માત્ર લોકોને સહાનુભુતી આપવામાં આવી હતી.