
દાહોદ, પશ્ચિમ રેલ્વેના રતલામ ડિવીઝનના બિલડી પેન્ટ્રી કારમાં વેન્ડર તરીકે કામ કરતાં કર્મચારીને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા બે મુસાફરોએ ર્માં-બેનની ગાળ બોલી માર મારી કરી ચાલુ ગાડી માંથી ફેંકી દેતાં ચકચાર મચી જવા પામી છે. ટ્રેન ધીમી ગતિએ ચાલતી હોવાથી વેન્ડરનો બચાવ થયો હતો. પરંતુ તેને શરીરે ઈજાઓ પહોંચતાં બેભાન અવસ્થામાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા મારફતે મેઘનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યારે બંન્ને મુસાફરોને આરપીએફ દ્વારા ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.
અમૃતસર થી બ્રાંન્દ્રા તરફ જતી 12904 અમૃતસર-બાંન્દ્રા ગોલ્ડન ટેમ્પલ મેલમાં એસ 6માં સવાર મુસાફરો સવારથીજ પેન્ટ્રી કારમાં વેન્ડર તરીકે કામ કરતો કર્મચારી એસ 6 સાથે જોડેલો જનરલ કોચમાં ખાણીપીણીનું સામાન વેચવા અવરજવર કરી રહ્યો હતો. આ દરમ્યાન ટ્રેનમાં રહેલા બંન્ને મુસાફરો વેન્ડર જોડે માથાકુટ કરી પરેશાન કરી રહ્યાં હતાં પરંતુ કર્મચારી દ્વારા કોઈ પ્રતિક્રિયા ન આપી આગળ જતો રહ્યો હતો પરંતુ રસ્તામાં આ ટ્રેન બિલડી-મેઘનગર વચ્ચેથી ધીમી ગતિએ પસાર થઈ રહી હતી. તે સમયે ઉપરોક્ત બંન્ને મુસાફરોએ પુન: એક વખત આ વેન્ડર જોડે માથાકુટ કરતાં પરિસ્થિતિ વણસી હતી. બંન્ને મુસાફરોએ રીતસર વેન્ડર જોડે મારઝુડ કરી અને આ વેન્ડરને ચાલુ ગાડીએ ફેંકી દેતાં આસપાસના મુસાફરોએ બુમાબુમ કરી ચેન પુલિંગ કરી આ ટ્રેનને ઉભી દીધી હતી. આ ઘટના બની તે સમયે સુપર ફાસ્ટ ટ્રેન ધીમી ગતિએ ચાલતી હોવાથી વેન્ડરનો જીવ બચી ગયો હતો, પરંતુ વેન્ડરને શરીરના ભાગે ઈજાઓ થતાં તે બેભાન થવા પામ્યો હતો. આ મામલામાં પેન્ટ્રી કારના મેનેજર દ્વારા મેઘનગર આરપીએફને જાણ કરી હતી. જે બાદ મેઘનગરના ઈન્ચાર્જ આઈપીએફ લીનીશા બેરાગી દ્વારા આરપીએફને ઘટના સ્થળે રવાના કરી હતી. આ દરમ્યાન ઈજાગ્રસ્ત વેન્ડરને 108 ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે પહેલા મેઘનગરના જીવન જ્યોતિ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. વેન્ડર જોડે માથાકુટ કરનાર ઉપરોક્ત બંન્ને મુસાફરોને આરપીએફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યાં હતાં. સમગ્ર ઘટના મામલે આરપીએફ તેમજ જીઆરપી દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.