રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી માટે લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓનો વૈજ્ઞાનિક અભિગમ માટે કાર્યક્રમ યોજશે

ગોધરા,

લોક વિજ્ઞાન કેન્દ્રએ પંચમહાલ જિલ્લામાં ગુજકોસ્ટ ગાંધીનગર તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અંતર્ગત ચાલતી સંસ્થા છે. જિલ્લામાં વસતા પ્રજાજનો અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે હેતુથી લોક વિજ્ઞાન કેન્દ્ર અવનવી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ભારતમાં વિજ્ઞાન દ્વારા થતા લાભો પ્રતિ સમાજમાં જાગૃત્તિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારશ્રેણી જાગૃત કરવાના હેતુ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી પરિષદ (નેશનલ સાયન્સ અને ટેકનોલોજી કાઉન્સિલ) અને વિજ્ઞાન તથા પ્રૌદ્યોગિકી મંત્રાલય, ભારત સરકારના ઉપક્રમે દર વર્ષે ફેબ્રુઆરી 28ના દિવસે ભારતમાં ઉજવવામાં આવે છે.

28મી ફેબ્રુઆરીના દિવસે, સર સી.વી. રામન દ્વારા પોતાની શોધની જાહેરાત કરવામાં આવી હતી. આ શોધ માટે તેમને વર્ષ 1930માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના ઉપલક્ષ્યમાં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પંચમહાલ જિલ્લાની માધ્યમિક તથા પ્રાથમિક શાળાઓમાં વિજ્ઞાન ક્ષેત્રે અવનવી પ્રવૃત્તિઓ કરાવામાં આવી રહી છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો મૂળ હેતુ યુવાન વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રતિ આકર્ષિત તેમજ પ્રોત્સાહિત કરવા અને સામાન્ય જનતાને વિજ્ઞાન તથા વૈજ્ઞાનિક સિદ્ધિઓ પ્રતિ સજાગ રાખવાનો છે. આ દિવસે બધી વિજ્ઞાન સંસ્થાઓ, જેમ કે રાષ્ટ્રીય અને અન્ય વિજ્ઞાન પ્રયોગશાળાઓ, વિજ્ઞાન અકાદમીઓ, શાળા અને કોલેજ તથા તાલીમ સંસ્થાઓમાં વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. મહત્ત્વપૂર્ણ આયોજનોમાં વૈજ્ઞાનિકોનાં વકતવ્યો, નિબંધ, લેખન, વિજ્ઞાન પ્રશ્ર્નોત્તરી, વિજ્ઞાન પ્રદર્શન, સેમિનાર અને પરિસંવાદ વગેરે સામેલ હોય છે.

વિજ્ઞાનની મદદથી માનવીએ અનેક અવનવી શોધ કરીને માનવ જીવનને વધુ સરળ બનાવ્યું છે. આજે વિજ્ઞાનના કારણે આપણે અવનવી ટેકનોલોજીનો રોજીંદા જીવનમાં ઉપયોગ કરી રહ્યા છે. કદાચ આપણને તો એ ખ્યાલ જ નહીં હોય કે આપણા રોજબરોજના ઉપયોગમાં લેવાતી કેટલીય ટેકનોલોજી કે, વસ્તુઓ આ વિજ્ઞાનને જ આભારી છે. આના દ્વારા આપણે અશક્ય વસ્તુઓને શક્ય બનાવવામાં પણ સફળ રહ્યા છીએ.

વિજ્ઞાનની મદદથી આપણે રોબોટ, કોમ્પ્યુટર જેવી વસ્તુઓને વિકસાવી છે. તેમજ ટેકનોલોજીની મદદથી આપણે અવકાશમાં ચંદ્ર તથા મંગળ સુઘી પહોંચવામાં સફળ થયા છીએ. લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિજ્ઞાન દિવસની વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપે ખગોળ વિજ્ઞાન વિશે જીલ્લામાં વસતા નાગરિકો માહિતગાર થાય તેવા હેતુથી ખગોળ વિજ્ઞાન અંગેના સેમિનારનું આયોજન 4-માર્ચ, શનિવારના રોજ કરવામાં આવ્યું છે. જેના વક્તા તરીકે ભારતના વૈજ્ઞાનિક અને ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી, મુંબઈના પ્રમુખ ડો.જે.જે. રાવલ વક્તવ્ય આપનાર છે.

આ સેમીનાર જીલ્લા પંચાયત પાસે આવેલા BRGF હોલમાં રાખવામાં આવ્યું છે. લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પંચમહાલ જીલ્લાના વેજલપુર, મોરવા હડફ, શહેરા, જાંબુઘોડા, કાલોલ, હાલોલમાં આવેલી શાળાઓમાં વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચીત્ર સ્પર્ધા, વગેરે સ્પર્ધાઓ યોજાનાર છે. પાછલા કેટલાક દિવસોથી લોક વિજ્ઞાન કેન્દ્રની ટીમ દ્વારા જીલ્લાની શાળાઓમાં વૈજ્ઞાનિક ફિલ્મ શો, હેન્ડ્સ ઓન એક્ટીવીટી, મોડેલ મેકિંગ, પ્રોજેક્ટ નિદર્શન, અંધ શ્રધ્ધા નિર્મુલન વગેરે કાર્યક્રમો પણ આયોજિત થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જિલ્લાના નાગરિકોને અવકાશ દર્શન થાય અને બ્રહ્માંડમાં રહેલા ગ્રહોને પ્રત્યક્ષ આંખ દ્વારા નિહાળી શકે તેવા હેતુથી લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 1 માર્ચ, બુધવારે કનેલાવ પીકનીક પોઈન્ટ પર ગ્રહ દર્શનનો પણ કાર્યક્રમ સૂચિત કર્યો છે. લોક વિજ્ઞાન કેન્દ્રના કાર્યકારી પ્રમુખ ડો. સુજાત વલીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના દિવસે સૌ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રત્યે ખુબ રૂચી કેળવે અને આપણી આસપાસ જે ઘટનાઓ તથા પરિસ્થિતીઓ સર્જાય છે. તેમાં સૌ જિલ્લાવાસીઓ વૈજ્ઞાનિક અભિગમ, દ્રષ્ટિકોણ કેળવે અને આપણા જિલ્લાનું નામ વિજ્ઞાન ક્ષેત્રે આગળ આવે તેવી પ્રવૃતિઓમાં ભાગ લઇ અગ્રેસર થાય.