- જો આરોપીઓ ઝડપાશે નહી તો અમો નવી સરકારને શપથ લેવા દેશું નહી અને જરૂર પડે ભારત બંધનું એલાન પણ આપીશું.,રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ
જયપુર, રાજસ્થાનમાં ગઈકાલે રાષ્ટ્રીય રાજપૂતકરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની તેમના જ નિવાસે બે શુટરોએ પોઈન્ટ બ્લેક રેન્જથી ચાર ગોળીઓ ધરબી દઈને કરેલી હત્યાના પગલે ગઈકાલે સાંજથી જ રાજસ્થાન ઉપરાંત દેશના અનેક ભાગોમાં રાજપૂત સમુદાયમાં જબરો આક્રોશ ફાટી નીકળ્યો તો રાજસ્થાનમાં રાજપૂત કરણી સેના સહિતના સંગઠનોએ આપેલા બંધના એલાનની વ્યાપક અસર જોવા મળી હતી અને જયપુર સહિત રાજયના મોટાભાગના ક્ષેત્રોમાં શાળા-કોલેજ બંધ રહેવા પામી હતી જયારે અનેક વ્યાપારી સંગઠનો પણ બંધમાં જોડાયા હોવાથી મોટાભાગના બજારો બંધ જોવા મળ્યા હતાં
આ હત્યાના આક્રોશમાં જયપુર સહિતના રાજયના અનેક શહેરોમાં હિંસાના થઇ હોવાના અહેવાલો છે અને બસો તથા ખાનગી વાહનો પણ સળગાવાયા હોવાના અહેવાલ છે. હજુ સુધી આ હત્યાને ઠંડે કલેજે અંજામ આપનાર બે શુટરો હજું પોલીસથી દુર રહ્યા છે તેમાં હરિયાણા તરફ નાસી છુટયા હોવાના અહેવાલ બાદ પોલીસે તે દિશામાં ટુકડીઓ દોડાવી છે તો બીજી તરફ રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ મહીપાલસિંહે આક્ષેપ કર્યો કે પોલીસની બેપરવાહીથી આ હત્યા થઈ છે. તેઓએ આક્રોશ સાથે જણાવ્યું કે જો આરોપીઓ ઝડપાશે નહી તો અમો નવી સરકારને શપથ લેવા દેશું નહી અને જરૂર પડે ભારત બંધનું એલાન પણ આપીશું.
જયપુરમાં અનેક સ્થળોએ લોકોએ સડકો પર આવી ચકકાજામ કર્યા હતા. રાજયના ચૂરૂ સહિતના ક્ષેત્રોમાં પણ અશાંતિના અહેવાલ છે અને તોફાની ટોળાએ અનેક વાહનો તથા જાહેર ઈમારતો પર હુમલા કરી આગ ચાંપી હતી. રાજયમાં સરકારી બસ સેવાને મર્યાદીત કરી દેવાઈ હતી તથા ખાનગી ઓપરેટરોએ પણ તેની સેવાઓ હાલ બંધ રાખી હતી. ટોળાએ અનેક સ્થળોએ બસો રોકીને યાત્રીઓને ઉતારીને આગ ચાંપી હતી.
જયપુર, જોધપુર, કોટા, બિકાનેર, જેસલમેર, ચુરુ અને ઉદયપુર સહિત અન્ય જિલ્લાઓમાં બજારો બંધ છે. હત્યારાઓની ધરપકડની માંગ સાથે દેખાવો થઈ રહ્યા છે. જેના કારણે જયપુરમાં અજમેર-હાઈવે પર લગભગ ૨ કલાક જામ રહ્યો હતો. લોકોના ટોળાએ ભાજપના પ્રદેશ કાર્યાલયમાં તોડફોડ કરી હતી. લોકોનું ટોળું જોધપુર રેલવે સ્ટેશન પર પણ પહોંચી ગયું હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. બુધવારે રાજસ્થાન બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ભરતપુરમાં પણ આજે શ્રી કરણી સેના દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ પછી ભરતપુરમાં બજારો બંધ રહી હતી.રાજપૂત સમાજના લોકોએ કુમ્હેર ગેટથી પાવર હાઉસ સુધી રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ સમાજના લોકો જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા.શ્રી રાજપૂત સમાજના લોકોએ શહેરના કુમ્હેર ગેટથી મુખ્ય બજાર થઈને પાવર હાઉસ સુધી રેલી કાઢી હતી. પાવર હાઉસ ચોકડી પર ટાયરો સળગાવી વિરોધ કર્યો હતો.રાષ્ટ્રીય કરણી સેનાના સુપ્રીમો સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં દિવસે દિવસે દુષ્કર્મીઓ દ્વારા કરવામાં આવેલી હત્યાને લઈને પોખરણમાં સમાજમાં ભારે રોષ છે. ગઈકાલે જયપુરમાં સુખદેવ સિંહ ગોગામેડીની તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે, જેની અસર સરહદી જિલ્લા જેસલમેરમાં જોવા મળી રહી છે. સમાજના તમામ વર્ગના લોકોએ શોભાયાત્રા કાઢી પોકરણની બજાર બંધ કરાવી વિરોધ કર્યો હતો. જયપુરમાં સેવા સમિતિના પ્રમુખ બળવંત સિંહ જોધા, નગરપાલિકા પ્રમુખ મનીષ પુરોહિત, પૂર્વ ધારાસભ્ય સંગ સિંહ ભાટી, શિક્ષણવિદ ગુલાબ સિંહ ગાદી મંજૂર દીન આસુ સિંહ તંવર બાબુલાલ રાજુરામ રાજેશ વ્યાસના નેતૃત્વમાં ૩૬ સમુદાયના લોકોએ વિરોધમાં ભાગ લીધો હતો.મહુવા સબડિવિઝન હેડક્વાર્ટર ખાતે દૌસા બંધ પાળ્યો હતો. રસ્તા રોકો અને ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતાં
ગોગામેડી હત્યા કેસની સઘન તપાસ માટે ડીજીપી ઉમેશ મિશ્રાએ એસઆઇટીની રચના કરી છે. એડીજી ક્રાઈમ દિનેશ એનએમની દેખરેખ હેઠળ એસઆઇની રચના કરવામાં આવી છે. ગોગામેડી હત્યા કેસના બંને આરોપીઓની ઓળખ થઈ હતી.એફઆઇઆર નોંધાતાની સાથે જ બંને આરોપીઓ પર ૫-૫ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવશે. આરોપીઓ વિશે માહિતી આપનારને ૫ લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. ડીજીપીએ કહ્યું કે પોલીસ હત્યારાઓને સક્રિય રીતે શોધી રહી છે.