લખનૌ, લોક્સભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષો હરક્તમાં આવી ગયા છે. આ સાથે રાજકીય પાર્ટીઓના ગઠબંધન પણ શરૂ થઈ ગયા છે. આ બધાની વચ્ચે ઉત્તર પ્રદેશમાં પણ રાજકારણ ગરમાયું છે. સમાજવાદી પાર્ટીના વડા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વિટ કર્યું છે કે, રાષ્ટ્રીય લોકદળ અને સમાજવાદી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે.
સપાના વડા અખિલેશ યાદવે ટ્વીટ કર્યું કે, રાષ્ટ્રીય લોકદળ અને સપાના ગઠબંધન પર દરેકને અભિનંદન. જીત માટે બધા એજજૂટ થઈ જાઓ. તમને જણાવી દઈએ કે, બંને પાર્ટીઓ ઇન્ડિયા એલાયન્સમાં સામેલ છે. જોકે થોડા સમય પહેલા સુધી એવી ચર્ચા હતી કે, જયંત ચૌધરી અને તેમની પાર્ટી એનડીએ ગઠબંધનમાં સામેલ થઈ શકે છે. પરંતુ અખિલેશ યાદવના આ ટ્વીટથી તે ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ દરમિયાન બંને પક્ષો સાથે મળીને ચૂંટણી લડ્યા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જીતી હતી. વિધાનસભાની ચૂંટણી પછી પણ એવા ઘણા પ્રસંગો આવ્યા જ્યારે એવું લાગતું હતું કે, લોકદળ અને સપાના રસ્તા અલગ થઈ શકે છે. સુભાસપા એ સપા સાથે ગઠબંધન તોડ્યા પછી પણ આવી જ અટકળો કરવામાં આવી હતી.