રાષ્ટ્રીય લોક અદાલત:પાટણ જિલ્લામાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતોમાં ૪૩૫૩ કેસોનો નિકાલ કરાયો

પાટણ,પાટણ જિલ્લા અદાલત અને જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોકઅદાલતો યોજાઈ હતી. આ લોક અદાલતોમાં વિવિધ પ્રકારનાં કેસોને સમાધાનથી નિકાલ માટે મૂક્વામાં આવ્યા હતા. પાટણની જિલ્લા અદાલત ખાતે આઠ કોર્ટો તથા પાટણ, સરસ્વતિ, ચાણસ્મા, હારીજ, રાધનપુર, સિધપુર, વારાહી, સમી કોર્ટોમાં પણ લોકઅદાલતો યોજાઈ હતી. લોકઅદાલતમાં મોટી સંખ્યામાં પક્ષકારો અને વકિલમિત્રોએ ઉપસ્થિત રહીને તેમનાં કેસોમાં પરસ્પર સમાધાન કરીને કેસનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો.

પાટણની કોર્ટમાં યોજાયેલી લોકઅદાલતોમાં ફોજદારી, દિવાની, છુટાછેડા, લગ્ન વિષયક, ચેક રિટર્ન, મોટર વાહન અકસ્માત વળતર કેસો સહિત અનેક કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અહીં પ્રિલીટીગેશન લોકઅદાલતો પણ યોજાઈ હતી. જેમાં કેસ કોર્ટમાં જાય તે પહેલાં તેઓ સમાધાનથી નિકાલ થઈ શકે તેવા કેસો મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાટણની બેંકો, વીજકંપની, વીમા કંપનીઓ, ટ્રાફિકનાં ઈ-ચલણની વસૂલાતનાં કેસો પણ મૂકાયા હતા. આ લોકઅદાલતમાં બજાજ ફાઈનાન્સ, બેંક ઓફ બરોડા, યુજીવીસીએલ, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેંક, યુનિયન બેંક, પંજાબ નેશનલ બેંક વિગેરેએ પણ પોતાનાં વસુલાતનાં કેસોનાં સમાધાન માટે લોકઅદાલતોમાં પોતાનાં કેસો મૂક્યા હતા.

પાટણ જિલ્લા કાનુની સેવા સત્તામંડળનાં સેક્રેટરી એમઆર. ઠકકર તથા કોર્ટનાં અધિકારી રાકેશ સોલંકી અને સ્ટાફે દરેક લોક અદાલતની મુલાકાત લઈને કાર્યવાહીની જાણકારી મેળવી હતી. લોક અદાલતમાં કુલ પ્રિલીટીગેશન કેસો ૧૨,૦૯૮ મુકવામાં આવેલ હતા. જેમાંથી કુલ ૧૩૯૬ જેટલા કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો અને તેમાં સેટલમેન્ટ એવોર્ડની રકમ રૂા. ૬૩,૨૮,૪૬૧ જેટલું થયેલ અને રેગ્યુલર લોક અદાલતમાં કુલ ૧૦૧૮ જેટલા કેસો મુકવામાં આવેલ હતા તેમાંથી ૬૨૮ જેટલા કેસોમાં સુખદ સમાધાન થયેલ છે. તેમાં સેટલમેન્ટ રકમ રૂા.૨,૮૯,૮૨,૮૯૪ નો એવોર્ડો કરવામાં આવેલ તેમજ અન્ય કુલ ક્રિમીનલ કેસો ૩૦૨૭ જેટલા મુકવામાં આવ્યા હતા. તેમાંથી ૨૩૨૯ જેટલો કેસો ફેસલ કરવામાં આવેલ છે.

આમ લોક અદાલતમાં પાટણ જલ્લામાં કુલ ૧૬૧૪૩ કેસો મુકવામાં આવેલ હતા તેમાંથી ૪૩૫૩ કેસોનો સુખદ રીતે નિકાલ કરવામાં આવેલ છે અને આ કેસોમાં કુલ રૂા. ૩,૫૩,૧૧,૩૫૫/-ની રકમોના સેટલમેન્ટ એવોર્ડો આવ્યા હતા. એમ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ પાટણનાં સેક્રેટરી વ મેજિસ્ટ્રેટ એમ.આર. ઠક્કરે જણાવ્યું હતું.