
દાહોદ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ ખાતે આજે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં કેશ ક્રેડિટ કેમ્પ યોજવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અન્વયે યોજાયેલા કેશ ક્રેડિટ કેમ્પમાં 102 સ્વસહાય જૂથોને રૂ. 150 લાખ જેટલી રકમનું ધિરાણ કરવામાં આવ્યું હતું. તદ્દઉપરાંત મે માસમાં કુલ 816 કેશ ક્રેડિટ લોન અરજીઓ તૈયાર કરી બેન્કમાં મોકલી આપવામાં આવી હતી. તે પૈકી 125 અરજી અને રૂ. 202 લાખનું સીસી લોન ધિરાણ મંજૂર કરવામાં આવશે.

આ પ્રસંગે પંચાયત, કૃષિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, ગ્રામીણ મહિલાઓની આર્થિક ઉન્નતિ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં મહિલાઓના સર્વાગી વિકાસ માટે વિવિધ કલ્યાણ યોજનાઓનું સુપેરે અમલીકરણ થઇ રહ્યું છે. રાજ્યમાં સ્વસહાય જુથની મહિલાઓને રાજ્ય સરકારની મળી રહેલી કેશ ક્રેડિટ તેમજ સહાય થકી મહિલાઓ આર્થિક સ્વનિર્ભરતા હાંસલ કરી રહી છે.

તેમણે જણાવ્યું કે, દાહોદ જીલ્લામાં આજે 102 સ્વસહાય જૂથોને રૂ. 150 લાખની સહાય આપવામાં આવી રહી છે ત્યારે મહિલાઓએ પોતાના ગામમાં અન્ય મહિલાઓને પણ સરકારની યોજનાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવી જોઇએ. સરકાર દ્વારા કેશ ક્રેડિટ મળી છે ત્યારે તેનો યોગ્ય સદઉપયોગ કરીને મહિલાઓ સ્વરોજગારી મેળવી શકે છે. તેમજ પોતાના પરિવારને પણ આર્થિક રીતે સહાયરૂપ બની શકે છે.

તેમણે ઉમેર્યું કે, જીલ્લામાં 14503 જેટલા સખીમંડળોની રચના થઇ છે અને 138665 મહિલાઓ તેમાં સભ્ય છે. જીલ્લામાં સ્વસહાય જુથોની કામગીરી થકી મહિલાઓના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે. તેઓ આર્થિક રીતે સક્ષમ બન્યાં છે અને નવો આત્મવિશ્ર્વાસ મેળવ્યો છે.
ધારાસભ્ય રમેશભાઇ કટારાએ જણાવ્યું કે, જીલ્લામાં સ્વસહાય જુથોની મહિલાઓ દ્વારા સરસ કામગીરી કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ આર્થિક રીતે વિકાસ કરી રહી છે ત્યારે તેમણે અન્ય મહિલાઓને પણ સ્વસહાય જુથની કામગીરી વિશે માહિતગાર કરી તેમાં જોડવા જોઇએ. જે મહિલાઓ સ્વસહાય જુથમાં સક્રિય ન હોય તેમને સ્થાને અન્ય મહિલાઓને સામેલ કરવી જોઇએ.
આ પ્રસંગે જીલ્લા પંચાયત ઉપપ્રમુખ સરતનભાઇ ચૌહાણે સ્વસહાય જુથની મહિલાઓની કામગીરીની સરાહના કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સ્વસહાય જુથની મહિલાઓને કેશ ક્રેડિટ માટેના ચેક વિતરિત કર્યા હતા. આ વેળા ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઇ ભાભોર, ડીઆરડીએ નિયામક બી.એમ. પટેલ, લીડ બેન્ક મેનેજર, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કં. લી. ના મેનેજર સુકુમાર ભૂરિયા, વિવિધ બેન્કોના પ્રતિનિધિઓ તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી હતી.