
- મોદી એક્તાનગરમાં પ્રવાસીઓની સુવિધા માટેના રૂ. ૧૯૬ કરોડના વિવિધ વિકાસ કામોનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત પણ કરશે.
અમદાવાદ, ભારતના રાજકીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનના સન્માનમાં ૩૧ ઓક્ટોબરના રોજ ભારતભરમાં રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી કરવામાં આવે છે.વર્ષ ૨૦૧૪માં ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.ત્યારે સરદાર પટેલ જયંતી નિમિત્તે ૩૧ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્તાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પીને સમગ્ર દેશવાસીઓ તરફથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રજાજનોને રાષ્ટ્રીય એક્તા દિવસની શપથ પણ લેવડાવશે.સાથે, તેઓ એક્તાનગરમાં પ્રવાસીઓની સુવિધા માટેના રૂ. ૧૯૬ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત પણ કરશે. વડાપ્રધાન એક્તાનગરથી અમદાવાદ વચ્ચે દર રવિવારે ચાલનારી હેરીટેજ ટ્રૈનને લીલીઝંડી આપીને પ્રારંભ કરાવશે.
રાષ્ટ્રીય એક્તા દિન તરીકે ઉજવણીના ભાગરૂપે આ વર્ષે કચ્છના લખપતના કિલ્લાની ૧૦૬ મીટર લાંબી પ્રતિકૃતિ રજુ કરવામાં આવી છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના લોકાર્પણને પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સમક્ષ યોજાનારી પરેડમાં અર્ધ લશ્કરી દળો સાથે પાંચ રાજ્યોના પોલીસ વિભાગ જોડાયા છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી કચ્છના લખપતના કિલ્લાની પ્રતિકૃતિ સાથે પોતાનું પ્રેરક ઉદબોધન કરશે. ત્યારબાદ પોલીસજવાનો દ્વારા પરેડ કરવામાં આવશે. તેના પશ્ચાદ્ભૂમાં આ કિલ્લો હશે. લખપતનો કિલ્લો દેશના એ ચુનિંદા કિલ્લાઓ પૈકીનો એક છે, જ્યાં આજે પણ સ્વાતંત્ર્ય દિને અને પ્રજાસતાક દિને ધ્વજવંદન કરાય છે અને પાકિસ્તાન બોર્ડર સમીપે આવેલા આ ઐતિહાસિક સ્થળે શાનથી તિરંગો લહેરાય છે.
લખપતના કિલ્લાની તવારીખ ૧૮ મી સદીમાં લખપત બંદર દરિયાકાંઠાનો વેપારનું મહત્વપૂર્ણ હબ હતું. કિલ્લા નજીક ઐતિહાસિક ગુરુદ્વારા આવેલી છે. એવું માનવામાં આવે છે કે ગુરુ નાનક તેના બીજા (૧૫૦૬૧૫૧૩) અને ચોથા (૧૫૧૯-૧૫૨૧) પ્રવાસ દરમિયાન બે વાર અહીં રોકાયા હતા. લખપતનો કિલ્લો અહીંના ભવ્ય વારસાની યાદ અપાવે છે. કહેવાય છે કે, અહી શાસકોના નામ પરથી કિલ્લાનું નામ લખપત પડ્યું હતું તો બીજી તરફ અહીં સિંધુના વહેણ વહેતા એટલે લાલ ચોખાની ખેતી થતી અને દરરોજ લાખોની આવક થતી એટલે બંને પણ લખપત નામ પડ્યું હોવાનું કહેવાય છે,આ સ્થળ શિખો માટેનું પવિત્ર યાત્રાધામ છે. ૧૬ જૂન ૧૮૧૯ના રોજ ૭.૯ મૅગ્નિટયૂડનો અતિ વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેને કચ્છના નકશામાંથી સિંધુનું વહેણ ગાયબ કરી અલ્લાહબંધ સર્જી દીધો હતો. સિંધુ નદીની એક ચેનલ જે નરાથી ઓળખાય છે ત્યાં જ આ બંધ સર્જાઈ જતાં કચ્છથી વિખૂટી પડી ગઈ હતું. માત્ર સિંધુનું વહેણ પણ આ સાથે કચ્છના પશ્ચિમી છેવાડે આવેલા લખપત બંદરનું ઓમાન કરાચી જેવા દેશો સાથેનું ઇનલેન્ડ નેવિગેશન બંધ થઇ ગયું અને વહાણવટા ઉદ્યોગ અને લખપત કાયમ માટે આર્થિક રીતે પડી ભાંગ્યું હતું,આજે કિલ્લાના અવશેષ તેના સાક્ષીપૂરે છે.
દરમિયાન રાષ્ટ્રીય એક્તા દિનના ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રોજેક્ટોનું વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે.ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિરસરમાં નિર્માણ પામેલા કમલમ્ પાર્કને લોકો માટે ખુલ્લો મુકાશે. રૂ.૭.૫ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા કમલમ્ પાર્કનું લોકાર્પણ વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવશે.આ પ્રોજેક્ટમાં નર્મદા નદીના કિનારે ડ્રેગન ફ્રૂટ, કે જે ‘કમલમ’ તરીકે જાણીતું છે, તેની નર્સરી બનાવવામાં આવી છે. આ નર્સરીમાં પ્રવાસીઓ અને ખેડૂતોને આ ફળના ફાયદા અને તેની ખેતીની પદ્ધતિ વિશે શિક્ષિત કરવા માટે ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે.જેના થકી પ્રવાસીઓને કમલમ વિશે માહિતગાર કરવામાં આવશે. કમલમ પાર્કએ ખેડૂતોની આવક વધારવા અને ખેડૂતોને આજીવિકાનો નવો વિકલ્પ પૂરો પાડવા માટે વડાપ્રધાનના વિઝનથી પ્રેરિત પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં ડ્રેગન ફ્રૂટ કે જે કમલમ તરીકે જાણીતુ છે તે નર્મદા નદીના ડાબા કિનારે સુંદર નર્સરી એક્તાનગર ખાતે સ્થાપિત કરવામાં આવી છે.
આ નર્સરીમાં મુલાકાતીઓ અને ખેડૂતોને આ ફળના ફાયદા અને તેની ખેતીની પદ્ધતિ વિશે માહિતગાર કરવા માટે ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર મહત્વનો ભાગ તરીકે કાર્ય કરી રહ્યું છે.જ્યાં ૯૧,૦૦૦ કમલમ છોડનું વિતરણ પણ કરાશે.નર્સરીનું એકંદર વાતાવરણ અને કેક્ટસ ગાર્ડનની તેની નિકટતા તેને એક્તા નગરના મુલાકાતીઓ માટે રસપ્રદ આકર્ષણ બનાવે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના શુષ્ક પ્રદેશમાં કમલમની ખેતીને પ્રોત્સાહન આપવા અને તેના ફળદાયી પરિણામો પર વડાપ્રધાનની પહેલ છે.પ્રાયોગિક ધોરણે નર્મદા જિલ્લામાં આ ફળની રજૂઆત અને ભવિષ્યમાં તેના આશાસ્પદ પરિણામો પર પ્રકાશ પાડે છે.