તે શુભ ઘડી આવી ગઇ, જેની વર્ષો, શતકોથી નહીં પરંતુ સદીઓ કરતાં વધુ સમયથી પ્રતિક્ષા હતી. એક સ્વપ્ન સાકાર થઇ રહ્યું હતું જે ન ફક્ત ખુલ્લી આંખોથી જ જોવામાં આવ્યું હતું પરંતુ તેના માટે સતત પ્રયત્ન કરવામાં આવ્યા, સાધનાની સાથોસાથ સંઘર્ષના રસ્તે પણ ધપવું પડયું. અનેક અવરોધો બાદ શ્રી રામ જન્મસ્થાન ના નામે મંદિરને સ્થાપિત કરવાનો હિન્દુ સમાજનો સંકલ્પ કયારેય ડગ્યો નહી.
આ સંકલ્પનું પરિણામ એ છે કે અયોધ્યામાં રામ મંદિર ભવ્ય રુપમાં આકાર લઇ રહ્યું છે. આ માત્ર મંદિર જ નથી પરંતુ ભારતની સંસ્કૃતિ અને અસ્મિતાનું પ્રતિક છે. એક સ્વાભિમાની રાષ્ટ્ર પોતાના આવા પ્રતીકો થકી ઉર્જા પ્રાપ્ત કરે છે. રામ મંદિર ભારતની ચેતનાનો પર્યાય છે. કારણ કે રામ જન-જનની સ્મૃતિમાં ઊડાઇએ બિરાજેલા છે. આ આજના ઇતિહાસમાં પ્રથમવાર છે, જયારે કોઇ સમાજે પોતાના પ્રેરણા પુરૂષના જન્મસ્થાન અને તેના ઉપાસના સ્થળને અતિક્રમણ અને ગેરકાયદે કબજામાંથી ન્યાયપૂર્વક છોડાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.
આ કારણસર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશ-વિદેશના ખૂણે ખૂણે વસતા ભારતીયોને ભાવવિભોર કરી રહ્યું છે અને વિશ્ર્વની જીજ્ઞાસાનું કેન્દ્ર બન્યું છે. આ ભારત જ નહી, વિશ્ર્વ ઇતિહાસમાં સામાજીક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાષ્ટ્રીય મહત્વનું સૌથી મોટું આયોજન છે. આ આયોજનને લઇને ઉમટતી ભાવનાઓ અનેક પ્રશ્ર્નોના ઉત્તર આપે છે કે રામ મંદિર નિર્માણ કેમ જરુરી હતું અને હિન્દુ સમાજ તેના માટે આટલી વ્યગ્રતાથી કેમ પ્રતીક્ષા કરી રહ્યો હતો? જો કે સારી બાબત એ હોત કે આ પ્રતીક્ષા સ્વતંત્રતા બાદ પૂરી થઇ હોત, પરંતુ સંકીર્ણ રાજનીતિક કારણોસર અને સેકયુલરિઝમની વિજાતીય-વિકૃત અવધારણાના કારણે આ શકય નહતું બન્યું.
એક મોટી વિટંબણા એ રહી છે કે અયોયામાં રામ મંદિરનું નિર્માણથી હિન્દુ સમાજની સદીઓ પુરાણી સ્વાભાવિક અભિલાષાને ન ફક્ત વણદેખી કરવામાં આવી પરંતુ તેની મશ્કરી પણ કરવામાં આવી હતી. રામ મંદિર આંદોલન સમયે આ કાર્ય કથિત સેકયુલર તત્વો, પોતાની મત બેક્ધ માટે ગમે તે હદ સુધી જનારા રાજકીય દળો અને ભારતીયતાને નકારતા બુદ્ઘિજીવીઓએ તો કર્યુ, મીડિયાનો એક મોટો વર્ગ પણ તેમાં સંકળાયો હતો.
બીજી તરફ અયોધ્યામાં કથિત બાબરી મસ્જિદના સ્થાન પર રામ મંદિર બનવું જ જોઇએ અને એટલા માટે બનવું જોઇએ કે રામ જન્મસ્થળ પર કથિત બાબરી મીસ્જદનું નિર્માણ ભારતની સભ્યતાગત ચેતના અને સંસ્કૃતિને અપમાનિત કરવા માટે કરાયેલો આઘાત હોવાનું માનનાર મોટો વર્ગ હતો. જેથી અયોધ્યામાં રામ મંદિરનું ભવ્ય નિર્માણ ફક્ત રામ કાર્ય નહીં પરંતુ તે રાષ્ટ્ર કાર્ય પણ હોવાનો મત વ્યક્ત થઇ રહ્યો છે.
જો કે એ વિચિત્ર છે કે કેટલાક લોકો હજી પણ રામ મંદિર અંગે અસહમતિ વ્યક્ત કરી રહ્યા છે અને પ્રશ્ર્નો કરી રહ્યા છેકે શું દેશને હોસ્પિટલો, સ્કૂલો વગેરેના નિર્માણને પ્રાથમિક્તા ન આપવી જોઇએ, શું રામ મંદિર નિર્માણથી દેશની સમસ્યાઓનું સમાધાન થઇ જશે?. જો કે આવા સવાલો કરનાર પાસે એ પ્રશ્ર્નનો કોઇ ઉત્તર નથી કે રામ મંદિરનું નિર્માણ ન કરવાથી દેશની સમસ્યાઓનું સમાધાન થઇ જશે. જો કે સારા વિચારના અમલીકરણમાં અનેક અવરોધો જેવી બાબત અગાઉ દેશના અંતરિક્ષ અભિયાન વખતે પણ જોવા મળી હતી. આવ સવાલો કરનારા જાણીબુઝીને એ વાતથી અજાણ બનવાનો પ્રયાસ કરતા હોય છે કે રાષ્ટ્રના નાગરિકોને ફક્ત ભૌતિક સુવિધાઓ જ જોઇતી હોતી નથી, તેઓ પોતાના આત્મિક સુખ, શાંતિ માટે સંસ્કૃતિ અને સ્વાભિમાનના પ્રેરક સ્થળ પણ ઇચ્છતા હોય છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ફક્ત આસ્થાનો ઉત્સવ નથી. તે અન્યાયના પ્રતિકારની સાથે ભારતીય સભ્યતા અને સ્વાભિમાનના ગૌરવ ગાનનો પણ ઉત્સવ છે.