રાષ્ટ્રપતિ જો બાઈડનના ઘરેથી ફરી મળ્યા ગુપ્ત દસ્તાવેજ

વોશિગ્ટન,

યુએસ ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ) એ રાષ્ટ્રપતિ જો બાઈડનના વિલ્મિંગ્ટન સ્થિત ઘર પર દરોડા પાડ્યા હતા જેમાં લગભગ ૧૩ કલાક સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરોડામાં જો બાઈડનના ઘરેથી ૬ ગોપનીય દસ્તાવેજો મળી આવ્યા છે. વિભાગે જો બાઈડનની કેટલીક હસ્તલિખિત નોંધોને પણ કબજે કરવામાં આવી છે. રાષ્ટ્રપતિના વકીલ બોબ બાઉરે જણાવ્યું હતું કે બાઈડને એફબીઆઈને તેમના ઘરની તપાસ માટે પરવાનગી આપી હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના ઘરેથી ગોપનીય દસ્તાવેજો મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. તેમના વકીલ બોબ બાઉરે શનિવારે જણાવ્યું હતું કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે વિલ્મિંગ્ટન, ડેલવેરમાં રાષ્ટ્રપતિના ઘરેથી વધુ છ વર્ગીકૃત દસ્તાવેજો જપ્ત કરાયા છે. તેમાંથી કેટલાક દસ્તાવેજોમાં યુએસ સેનેટમાં બિડેનના કાર્યકાળનો ઉલ્લેખ છે. જ્યાં તેમણે ૧૯૭૩ થી ૨૦૦૯ સુધી ડેલવેરનું પ્રતિનિધિત્વ કર્યું. આ ઉપરાંત, અન્ય દસ્તાવેજો ૨૦૦૯ થી ૨૦૧૭ સુધીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના વહીવટમાં ઉપરાષ્ટ્રપતિ તરીકેના તેમના કાર્યકાળને લગતા છે.

રાષ્ટ્રપતિના વકીલ બૌરે જણાવ્યું હતું કે ન્યાય વિભાગને તેમના ઘરેથી કેટલીક નોટ્સ પણ મળી આવી છે. જે બાઈડન પોતાના ઉપરાષ્ટ્રપતિ તરીકેના સમય દરમિયાન અંગત રીતે પોતાના હાથે લખી છે. વકીલે કહ્યું કે રાષ્ટ્રપતિએ ન્યાય વિભાગને વર્ગીકૃત દસ્તાવેજો શોધવાની મંજૂરી આપવા માટે તેમના ઘરે સંપૂર્ણ પ્રવેશ આપ્યો છે. તેણે કહ્યું કે સર્ચ દરમિયાન બાઈડન અને તેની પત્નીમાંથી કોઈ ઘરમાં હાજર નહોતું.

આ દસ્તાવેજોની પ્રાપ્તિ એ આવા સમયે બાઈડન માટે રાજકીય જવાબદારી બની ગઈ છે જ્યારે તેઓ ફરીથી ચૂંટણી માટે પોતાનો દાવો રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ઘટના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઉતાર-ચઢાવ પછી અમેરિકન જનતાની સામે તેમના કાર્યકાળને વધુ સારી રીતે દેખાડવાના બાઈડનના પ્રયાસને નુક્સાન પહોંચાડી શકે છે.

બાઈડનના વકીલોએ તાજેતરના મહિનાઓમાં ચાર પ્રસંગોએ ગોપનીય દસ્તાવેજો અને સત્તાવાર રેકોર્ડ મેળવ્યા છે. આ દસ્તાવેજો પહેલા ૨ નવેમ્બરે વોશિંગ્ટનમાં પેન બાઈડન સેન્ટરની ઓફિસમાંથી અને પછી ૨૦ ડિસેમ્બરે રાષ્ટ્રપતિના વિલ્મિંગ્ટન નિવાસસ્થાનના ગેરેજમાંથી મળી આવ્યા હતા. આ ઉપરાંત સર્ચ દરમિયાન રાષ્ટ્રપતિની હોમ લાઇબ્રેરીમાંથી ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.