રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ના ભાષણ દરમિયાન અચાનક જ લાઈટ થઈ ગઈ બંધ,૯ મિનિટ સુધી અંધારામાં ભાષણ આપ્યું

ભુવનેશ્ર્વર,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓડિશાના બારીપાડા શહેરમાં પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ અહીં મહારાજા શ્રીરામ ચંદ્ર ભાંજ દેવ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાગ લેવા આવ્યા હતા. પરંતુ કાર્યક્રમ દરમિયાન અચાનક જ લાઇટ જતી રહી હતી. લગભગ ૯ મિનિટ સુધી લાઇટ ન હતી. ત્યારે દ્રૌપદી મુર્મુએ અંધારામાં જ આખુ ભાષણ આપ્યું હતુ. મુર્મુ સવારે ૧૧.૫૬ વાગ્યે પોતાનું ભાષણ આપવાનું શરૂ કર્યું કે તરત જ લાઇટો બંધ થઈ ગઈ. ત્યારબાદ ૯ મિનિટ પછી ૧૨.૦૫ વાગ્યે વીજળી પાછી આવી હતી. ત્યારે તેને સુરક્ષામાં મોટી ખામી ગણાવતા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મનમોહન સમલે મુખ્ય પ્રધાન નવીન પટનાયકને માફી માંગવા કહ્યું હતુ. તેમણે કહ્યું, “આ સમગ્ર રાજ્ય માટે શરમજનક બાબત છે. રાજ્ય સરકાર દાવો કરે છે કે ઓડિશા એક પાવર સરપ્લસ રાજ્ય છે, પરંતુ તે દેશના પ્રથમ નાગરિક જ્યાં હાજર હતા ત્યાં વીજળી ગૂલ ! અમે મુખ્યમંત્રી પાસે માફી માંગવાની માંગ કરીએ છીએ.

બીજુ જનતા દળના ઉપાધ્યક્ષ દેબી પ્રસાદ મિશ્રાએ કહ્યું કે આ ક્ષતિ માટે જવાબદાર લોકોને શોધવા માટે તપાસ કરવામાં આવશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પંચાનન કાનુન્ગોએ કહ્યું, “આ સમગ્ર રાજ્ય માટે ખૂબ જ શરમજનક બાબત છે. અમે રાજ્ય સરકાર પાસે આ ઘટના માટે રાષ્ટ્રપતિની માફી માંગવાની માંગ કરીએ છીએ.

અંધારપટના કારણે યુનિવર્સિટી ઓડિટોરિયમ પણ સંપૂર્ણ અંધારું હતું. સ્ટેજ લાઇટની મદદથી રાષ્ટ્રપતિએ તેમનું ભાષણ ચાલુ રાખ્યું. દ્રૌપદી મુર્મુ ૪ મેથી તેના ગૃહ જિલ્લા મયુરભંજની ત્રણ દિવસની મુલાકાતે છે. દીક્ષાંત સમારોહમાં હાજરી આપ્યા બાદ તે નવી દિલ્હી પરત ફર્યા હતા. મયુરભંજ જિલ્લા પ્રશાસને પણ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે બિલ્ડિંગના આંતરિક વાયરિંગમાં ખામીને કારણે લાઇટ ગઈ હતી. યુનિવર્સિટીએ તેના ઇલેક્ટ્રિશિયન જયંત ત્રિપાઠીને પણ સસ્પેન્ડ કરી દીધા છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સંતોષ ત્રિપાઠીએ રાષ્ટ્રપતિના કાર્યક્રમ દરમિયાન થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો.

યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સંતોષ ત્રિપાઠીએ કહ્યું, “આ ઘટના માટે હું પોતે જ જવાબદાર છું. અમે ઘટનાની તપાસ શરૂ કરીશું અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. એક સમર્પિત જનરેટર સેટ પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો અને તે ચાલી રહ્યો હતો. આ હોવા છતાં, રાષ્ટ્રપતિના સંબોધન દરમિયાન લાઇટો બંધ થઈ ગઈ હતી.”

યુનિવર્સિટી ઓડિટોરિયમનું નિર્માણ રાજ્યની માલિકીની ઓડિશા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (ઇડકો) દ્વારા કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિની મુલાકાતના એક સપ્તાહ પહેલા આઇડીસીઓ અધિકારીઓએ યુનિવર્સિટીમાં જનરેટર સેટ અને અન્ય પાવર સાધનોનું નિરીક્ષણ કર્યું હતું. જ્યારે મયુરભંજ જિલ્લા કલેક્ટર વિનીત ભારદ્વાજનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આ મુદ્દાને ટેકનિકલ સમસ્યા ગણાવીને ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.