રસ્તા વચ્ચે જ મહિલા તલાટીએ ૫૦૦૦૦ લાંચ લીધી! અમદાવાદ એલસીબીએ રંગેહાથ ઝડપાયા

રાજ્યમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કર્મચારીઓમાં જાણે કે સુધારો થવાનું નામ જ નથી લેવાતું. રાજ્યનું એસીબી વિભાગ સતત ભ્રષ્ટાચારીઓને ઝડપીને જેલમાં ધકેલવાની કાર્યવાહી કરતું હોવા છતાં પણ, લાંચીયા અધિકારીઓ અને કર્મચારીઓ બેફામ થઈને લોકોની પાસેથી લાંચની રકમ લુંટી રહ્યા છે. વધુ એક તલાટી અમદાવાદ જિલ્લામાં લાંચ લેતા ઝડપાયા છે.

એસીબી દ્વારા રાજ્યમાં જાણે કે રોજે રોજ કાર્યવાહી કરીને લાંચીયા અધિકારીઓને જેલમાં ધકેલી રહ્યુ છે. આમ છતાં પણ લાંચીયા અધિકારીઓ અને કર્મચારીઓ સુધરવાનું નામ લઈ રહ્યા નથી. આવી જ રીતે વધુ એક લાંચિયા તલાટીને જેલના હવાલે કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈના બીલાસીયા ગ્રામ પંચાયતના મહિલા તલાટી લાંચ લેતા ઝડપાયા છે.

મહિલા તલાટીને એસીબીએ છટકું ગોઠવીને આબાદ ઝડપી લીધા છે. મહિલા તલાટીએ 50 હજાર રુપિયાની લાંચ ખેડૂત પાસેથી માંગી હતી. જેને લઈ એસીબીએ છટકાનું આયોજન કર્યુ હતુ. જેમાં મહિલા તલાટીને ઝડપી લઈને કાર્યવાહી કરવામાં આવી હતી.

ઘટનાની હકીકત એવી છે કે, અમદાવાદના દસક્રોઈ તાલુકામાં આવેલ હુકા ગામના ખેડૂતને પોતાની વડીલો પાર્જીત ખેતીની જમીનનું પેઢીનામું કરવાનું હતુ. જેને લઈ બિલાસીયા ગ્રામ પંચાયતના તલાટી મધુબેન પુનાભાઈ પટેલને આ અંગે અરજી કરી હતી. જેને લઈ તલાટીએ પેઢીનામાનું કામ કરી આપવા માટે લાંચની રકમની માંગ કરી હતી.

તલાટીએ 50000 રુપિયાની લાંચની રકમ આ કામ માટે કરી હતી. જેને લઈ ખેડૂતે લાંચ આપવાને બદલે એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો. જેને લઈ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ આરઆઈ પરમાર અને તેમની ટીમે છટકાનુ આયોજન કર્યુ હતુ.

હુકા ગામથી બીલાસીયા જવાના રસ્તા પર જ મહિલા તલાટીએ લાંચની રકમ સ્વિકારી હતી. ખેડૂતને લાંચની રકમ આપવા માટે દર્શાવેલ સ્થળ અને રકમ સાથે બતાવેલ સમયનુસાર તૈયાર હતો. આ દરમિયાન મહિલાએ રસ્તા વચ્ચે જ એક સ્થળે આ લાંચની રકમ મેળવવા મુલાકાત કરી હતી.જ્યાં ખેડૂતે લાંચની રકમ આપતા જ એસીબીની ટીમે તેમને ઝડપી લીધા હતા.

બિલાસીયા ગ્રામ પંચાયત, તા. દસક્રોઈ, જિ. અમદાવાદના તલાટી કમ મંત્રી મધુબેન પુનાભાઈ પટેલ રૂા.૫૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.

એસીબીએ હવે તેમની મિલ્કતો સહિતની વિગતો પણ એકઠી કરવાની કાર્યવાહી શરુ કરી છે. મહિલા તલાટી મધુબેન પટેલ અને તેમના પતિ અને પરિવાર સહિતની આવકના સ્ત્રોતની વિગતો પણ એકઠી કરવામાં આવશે. જેને લઈ તેઓએ ભ્રષ્ટાચારથી અત્યાર સુધી કેટલી રકમ એકઠી કરી એ પણ તપાસવામાં આવી શકે છે.