
સુરત : સગર્ભા મહિલાઓ માટે એક એક ક્ષણ બહુ કિંમતી હોય છે. ત્યારે ડિલિવરીના સમયે ખૂબ જ તકેદારી રાખવાની રહેતી હોય છે. ત્યારે સુરત એરપોર્ટના ગેટ સામે જ મહિલાની પ્રસુતિ જાહેર રસ્તા પર જ કરાવવામાં આવી હતી. એટલુ જ નહિ, આ સગર્ભા મહિલાની મદદે અન્ય મહિલાઓ દોડી આવી હતી. અન્ય મહિલાઓએ સાડી અને ચાદરની આડશ બનાવીને છાંયડો આપ્યો હતો અને સગર્ભાની ડિલિવરી કરાવી હતી. જેથી માતાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. બાદમાં મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
તમે અનેકવાર એવુ સાંભળ્યુ હશે કે, ચાલુ પ્લેન કે ચાલુ ટ્રેનમાં મહિલાને પ્રસૂતીની પીડા ઉપડી અને મહિલાએ બાળકને જન્મ આપ્યો. આવો જ એક કિસ્સો સુરતમાં રસ્તા પર જોવા મળ્યો હતો. જ્યાં એક સગર્ભા મહિલાએ રસ્તા પર જ બાળકને જન્મ આપ્યો હતો. બન્યું એમ હતું કે, સુરત હવાઇ મથક સામે એક સગર્ભાની પ્રસુતિ જાહેરમાં કરાવાઈ હતી. રૂપાબેન રાઠોડ ડુમ્મસના હળપતિ વાસમાં રહે છે. તેઓ 9 મહિનાથી ગર્ભવતી હતા. પ્રસુતિનો સમય નજીક આવતા પીડા શરૂ થઈ હતી. ડુમ્મસથી મહિલાને ઇકો કારમાં હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહી હતી. તે દરમ્યાન તેમને વધુ પીડા ઉપડી હતી. જેથઈ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
મહિલાને 108 માં મૂકવાનો પણ સમય ન હોવાથી જાહેર રસ્તા પર જ તેની પ્રસુતિ કરાવાઈ હતી. તો તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. જેથી એમ્બ્યુલન્સના સ્ટાફે ચેક કરતા મહિલાને રસ્તા પર જ તાત્કાલિક પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી. જેથી રસ્તા પર મહિલાની પ્રસૂતિ કરાવી હતી. આ સમયે કેટલીક મહિલાઓ મદદે આવી હતી. તેઓ સાડી અને ચાદરની આડસ કરીને ઉભી હતી. જેથી મહિલાની પ્રસૂતિ થઈ શકે. આ બાદ મહિલાએ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. પ્રસુતિ બાદ મહિલાને બાળક સ્વસ્થ હતા. તેના બાદ પ્રાથમિક સારવાર માટે મહિલાને હોસ્પિટલે ખસેડાઇ હતી.