રસ્તા પર ઈદની નમાજ પઢી, ૧૭૦૦ પર એફઆઇઆર,સરકારી કામમાં અવરોધ કર્યાનો આરોપ; મુસ્લિમ નેતાએ કહ્યું- અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે

કાનપુર,કાનપુરમાં રસ્તા પર ઈદની નમાજ અદા કરવા બદલ ૧૭૦૦ લોકો વિરુદ્ધ ૩ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. પોલીસનો આરોપ છે કે પ્રતિબંધ હોવા છતાં, ૨૨ એપ્રિલના રોજ જાજમાઉ, બાબુપુરવા અને મોટી ઇદગાહ બેનાજબારની બહારના રસ્તા પર નમાજ અદા કરવામાં આવી હતી. જાજમાઉમાં ૨૦૦થી ૩૦૦, બાબુપુરવામાં ૪૦થી ૫૦, બજરિયામાં ૧૫૦૦ નમાજ અદા કરનાર સામે FIR નોંધવામાં આવી છે. જેમાં ઇદગાહ કમિટીના સભ્યોનો સમાવેશ થાય છે.

બેગમપુરવા ચોકીના પ્રભારી બ્રિજેશ કુમારે કહ્યું ઈદ પહેલા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વિસ્તારના લોકોને કહેવામાં આવ્યું હતું કે રસ્તા પર નમાજ નહીં પઢવામાં આવે. ઈદની નમાઝ ઈદગાહ અને મસ્જિદની અંદર જ અદા કરવામાં આવશે. ભીડને કારણે જો કોઈ નમાજી નમાજ ચૂકી જશે તો પોલીસ દ્વારા તેની નમાઝ ફરીથી અદા કરાવવાની વ્યવસ્થા કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.ઘણા લોકોએ મસ્જિદની અંદર નમાજ અદા કરી, પરંતુ જ્યારે ભીડ વધવા લાગી તો કેટલાક લોકોએ રસ્તા પર જ નમાજ પઢવાનું શરૂ કર્યું.

ઈદના દિવસે ૨૨ એપ્રિલે સવારે ૮ વાગ્યે ઈદગાહમાં નમાજ શરૂ થાય તે પહેલા જ અચાનક હજારોની ભીડ ઈદગાહની સામેના રસ્તા પર એકઠી થઈ ગઈ હતી. પ્રતિબંધ હોવા છતાં, બધાએ રસ્તા પર સાદડીઓ પાથરીને નમાજ અદા કરવાનું શરૂ કર્યું. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, તે પછી પણ તેઓ રાજી ન થયા. આ દરમિયાન જિલ્લામાં કલમ-૧૪૪ પણ લાગુ કરવામાં આવી હતી. જેના કારણે ચોકીના ઈન્ચાર્જની ફરિયાદના આધારે પોલીસે ઈદગાહ કમિટીના સભ્યો અને ત્યાં નમાજ અદા કરનારાઓ સામે ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજ પરથી રસ્તા પર નમાજ અદા કરનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે.

બાબુપુરવા પોલીસે કલમ-૧૮૬ (સરકારી કામમાં અવરોધ, કલમ-૧૮૮ (કલમ-૧૪૪નું ઉલ્લંઘન કરીને ભીડ એકઠી કરવી), કલમ-૨૮૩ (ભીડ ભેગી કરીને રસ્તો રોકવો), કલમ-૩૪૧ (ખોટી રીતે અવરોધ) અને જાહેર સેવામાં અવરોધ કરવાનો ગુનો દાખલ કર્યો છે.જુમા અને ઈદના દિવસે ભીડ એટલી બધી હતી કે બેનઝબાર ઈદગાહમાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી.મરકજી ઇદગાહ બેનાજબારમાં પ્રતિબંધ હોવા છતાં, બજરિયા પોલીસ સ્ટેશનમાં રસ્તા પર નમાજ અદા કરવા બદલ ઇદગાહ કમિટી અને તેના સભ્યો સહિત ૧૫૦૦ લોકો સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી. એવું કહેવાય છે કે પોલીસકર્મીઓના ના પાડ્યા પછી પણ લોકોએ રસ્તા પર બેસીને નમાજ અદા કરી, જેના કારણે ટ્રાફિક જામ થયો.

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એફઆઇઆર પર નારાજગી વ્યક્ત કરી છે. બોર્ડના સભ્ય મોહમ્મદ સુલેમાને કહ્યું, “એક ખાસ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. એવું લાગે છે કે રાષ્ટ્ર એક ધર્મનું બની ગયું છે. કેમ્પસની અંદર મસ્જિદ અને ઇદગાહમાં નમાઝનું આયોજન કરવામાં આવ્યું છે. બાબુપુરવામાં આટલી મોટી ઇદગાહ નથી. જો ૧૦ મિનિટ માટે જગ્યા નથી મળતી, તો નમાજ રસ્તા પર નમાજ અદા કરે છે. બાબુપુરવામાં પણ આ રીતે રસ્તા પર નમાજ પઢવામાં આવી હતી, પરંતુ બાબુપુરવાના સબ ઈન્સ્પેક્ટરે એફઆઈઆર નોંધી. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે આ કેસ રસ્તા પર નમાજ અદા કરવાનો નથી, પરંતુ જાહેર સેવામાં અવરોધ ઉભો કરવાનો છે, જે ગંભીર ગુનો છે અને બીજી મહામારીની કલમ લગાવવામાં આવી છે. આ આપણી સરકારની માનસિક્તા છે, જેના પર આવા ઉત્સાહી પોલીસકર્મીઓ કામ કરી રહ્યા છે. તે નિંદનીય છે, સમાજ માટે સારું નથી.

મો. સુલેમાને કહ્યું- અમારો સમાજ બંધારણ પર ચાલે છે. બંધારણની કલમ-૧૯ તમામ સમુદાયોની ધાર્મિક માન્યતાઓ અને સાંસ્કૃતિક વસ્તુઓનું રક્ષણ કરે છે, પરંતુ આ સરકાર બંધારણ મુજબ ચાલી રહી નથી. યોગીની સરકાર બંધારણને તોડી રહી છે.તેમણે કહ્યું- સરકાર એવા કામ કરી રહી છે કે લોકો પોલીસ કસ્ટડીમાં માર્યા જાય છે. પોલીસવાળા જોતા જ રહ્યા. હત્યારાઓ પર ગોળીબાર કરવામાં ન આવ્યો, આ બધું થઈ રહ્યું છે. ફર્રુખાબાદમાં પ્લેટફોર્મ પર લોકોએ નમાઝ અદા કરી, તો ક્યાંથી અશાંતિ ફેલાઈ? જનતાએ કંઈ કર્યું નથી, પોલીસકર્મીઓએ કર્યું.