રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવા શાંતિ સમિટનું આયોજન કરવામાં આવ્યું

  • અમેરિકા સહિત ઘણા દેશો માને છે કે માત્ર ભારત જ બંને દેશો વચ્ચેના યુદ્ધને રોકી શકે છે.

રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ અઢી વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધનો અંત લાવવા શાંતિ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષમાં હજારો લોકોના મોત થયા છે. લાખો મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. કરોડોના જીવનનો નાશ થયો છે. હજુ પણ યુદ્ધની આગ ઓલવાઈ નથી. ભારત સહિત સમગ્ર વિશ્ર્વ કોઈને કોઈ રીતે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ખતમ કરવાના પ્રયાસમાં છે.

હવે ભારતમાં સતત ત્રીજી વખત મોદી સરકાર બની છે. આવી સ્થિતિમાં રશિયા-યુક્રેન યુદ્ધને જોતા સમગ્ર વિશ્ર્વની નજર ભારત પર છે. એક રીતે જોઈએ તો હવે રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવાની જવાબદારી પીએમ મોદી પર આવી ગઈ છે. યુક્રેન-રશિયા યુદ્ધને સમાપ્ત કરવા માટે વિશ્ર્વના ૯૦ દેશો એક્સાથે આવ્યા છે. આમાં ભારત પણ સામેલ છે.

વાસ્તવમાં યુક્રેન શાંતિ સમિટનું આયોજન સ્વિટ્ઝર્લેન્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. લગભગ ૯૦ દેશોએ તેમાં તેમની ભાગીદારીની પુષ્ટિ કરી છે. જોકે, ૧૬૦ દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. આ યુક્રેન પીસ સમિટમાં ભારત પણ ભાગ લેશે. રશિયાએ આ શાંતિ સમિટમાં ભાગ લેવાનો ઈક્ધાર કરી દીધો છે. રશિયાની જેમ ચીન પણ સહમત નથી. ચીને એક અલગ શરત પણ મૂકી છે. સ્વિસ પ્રેસિડેન્ટ વિઓલા એમ્હાર્ડે આ જાણકારી આપી. રશિયા દ્વારા કોન્ફરન્સમાં ભાગ લેવાનો ઇનકાર કરવા છતાં આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમાં ભાગ લેનારા અડધાથી વધુ દેશો યુરોપના છે.

રાષ્ટ્રપતિ એમ્હાર્ડના જણાવ્યા અનુસાર, રશિયા દ્વારા યુક્રેન પર હુમલો શરૂ કર્યાના લગભગ ૨૮ મહિના પછી ૧૫-૧૬ જૂનના રોજ યોજાનારી આ સમિટનું લક્ષ્ય સંભવિત શાંતિ માટે માર્ગ મોકળો કરવાનો અને યુદ્ધના અંત પર સંમત થવાનો છે. તેમણે કહ્યું કે આ કોઈ પ્રચાર નથી. આ સ્વિત્ઝર્લેન્ડ દ્વારા આપવામાં આવતી માનવતાવાદી સહાયના મુદ્દા પર વધુ વાટાઘાટોને પ્રાધાન્ય આપવા વિશે છે. સ્વિસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બ્રાઝિલ અને ચીને કહ્યું છે કે જ્યાં સુધી રશિયા સહિત બંને પક્ષો વાટાઘાટોના ટેબલ પર નહીં આવે ત્યાં સુધી તેઓ આ સમિટમાં ભાગ લેશે નહીં. યુક્રેન જોડાવા માટે તૈયાર છે, પરંતુ રશિયાએ ના પાડી દીધી છે. જો કે સ્વિત્ઝર્લેન્ડ યુક્રેન પીસ સમિટને લઈને રશિયન અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.

સ્વિત્ઝર્લેન્ડનું કહેવું છે કે ભારત યુક્રેન પીસ સમિટમાં પણ ભાગ લેશે. જો કે, હજુ સુધી સત્તાવાર રીતે કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી કે પીએમ મોદી ભારત તરફથી જશે કે વિદેશ મંત્રી એસ જયશંકર જશે કે અન્ય કોઈ ભારતીય પ્રતિનિધિ હાજરી આપશે. એવું માનવામાં આવે છે કે યુક્રેન પીસ સમિટમાં ભાગ લેનારાઓની અંતિમ યાદી શુક્રવાર સુધીમાં આવી જશે. અલ જઝીરા અનુસાર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ હાજરી આપે તેવી શક્યતા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન આ સમિટમાં નહીં આવે. પરંતુ તેમના સ્થાને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન હશે.

જો આ સમિટમાં જાય છે, તો તે રશિયા-યુક્રેન યુદ્ધ તરફ એક મોટું પગલું હશે. ભારત આ સમિટમાં યુદ્ધનો અંત લાવવાનો માર્ગ શોધવાનો પૂરો પ્રયાસ કરશે. આ પહેલા પણ પીએમ મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધમાં મોટી ભૂમિકા ભજવી હતી. જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધ થયું ત્યારે ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવાનો પડકાર હતો, ત્યારે પીએમ મોદીએ જ બંને દેશો સાથે વાત કરીને થોડો સમય યુદ્ધ અટકાવ્યું હતું. આ વાતનો ખુલાસો ખુદ વિદેશ મંત્રી એસ જયશંકરે કર્યો હતો. રશિયાએ એક વખત માર્ચ ૨૦૨૨માં યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારી કરી હતી. ત્યારપછી યુએન સેક્રેટરીના કહેવા પર પીએમ મોદીએ રશિયા-યુક્રેન સાથે વાતચીત મોકૂફ રાખી હતી.

રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવામાં મોદીની ભૂમિકા મહત્વની રહેશે. અમેરિકા સહિત ઘણા દેશો માને છે કે માત્ર ભારત જ બંને દેશો વચ્ચેના યુદ્ધને રોકી શકે છે. રશિયા અને યુક્રેન બંનેએ પીએમ મોદીને આમંત્રણ આપ્યું છે. બંને દેશોએ ૨૦૨૪માં લોક્સભા ચૂંટણી બાદ પીએમ મોદીને મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદી છેલ્લે ૨૦૧૮માં રશિયા ગયા હતા. હવે જ્યારે લોક્સભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ફરી એકવાર દુનિયાની નજર મોદી પર ટકેલી છે. મોદી રશિયા અને યુક્રેનની મુલાકાત લેશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ યોજના જાહેર કરવામાં આવી નથી. જોકે, શરૂઆતથી જ મોદી રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને વાતચીત દ્વારા ખતમ કરવાની હિમાયત કરી રહ્યા છે. સારી વાત એ છે કે રશિયા અને યુક્રેન બંને ભારતને તટસ્થ માને છે.