
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કાફલામાં એક કારમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ ગુપ્તચર એજન્સી FSBના મુખ્યાલયની બહાર થયો હતો. ધ સનના રિપોર્ટ પ્રમાણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કાફલાની એક લક્ઝરી લિમોઝીનમાં જોરદાર વિસ્ફોટ થયો છે અને તેમાં આગ લાગી ગઈ છે. મધ્ય મોસ્કોમાં બનેલી આ ઘટનાએ રશિયન રાષ્ટ્રપતિની સુરક્ષા અંગે નવી ચિંતાઓ ઊભી કરી છે અને ક્રેમલિનમાં આંતરિક ખતરાઓ અંગે શંકાઓ વધારી છે. પુતિનની મોંઘી કાર ઓરસ સેનેટ, લુબ્યાન્કામાં FSB મુખ્યાલય પાસે સળગતી જોવા મળી હતી.
જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ હત્યાનું કાવતરું હતું કે માત્ર અકસ્માત. જોક આ ઘટના પછી રાષ્ટ્રપતિ કાર્યાલયમાં પુતિનની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગ એન્જિનમાંથી શરૂ થઈ હતી અને પછી અંદર ફેલાઈ ગઈ હતી. અહેવાલમાં જણાવાયું છે કે ઘટના દરમિયાન નજીકના રેસ્ટોરન્ટમાં હાજર લોકો ફાયર ફાઇટર આવે તે પહેલાં મદદ માટે બહાર આવી ગયા હતા. ફૂટેજમાં વાહનમાંથી ધુમાડો નીકળતો અને કારના પાછળના ભાગને નુકસાન થતું દેખાતું હતું. ધ સનના અહેવાલ મુજબ, વિસ્ફોટ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને હજુ સુધી કોઈ ઈજાના અહેવાલ નથી. આ કારનું સંચાલન રાષ્ટ્રપતિના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવે છે, જે રાષ્ટ્રપતિના પરિવહનનું સંચાલન કરે છે. હાલમાં, ઘટના સમયે કારની અંદર કોણ હતું તે સ્પષ્ટ નથી.
યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીએ મોટો દાવો કર્યો હતો કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તબિયત બગડી રહી છે અને તેમનું ટૂંક સમયમાં મૃત્યુ થશે. ઝેલેન્સ્કીની આ આગાહી બુધવારે એક ઇન્ટરવ્યૂ દરમિયાન સામે આવી. કિવ ઈન્ડિપેન્ડન્ટ વેબસાઇટ અનુસાર, ઝેલેન્સ્કીએ યુરોવિઝન ન્યૂઝ સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે પુતિન ટૂંક સમયમાં મૃત્યુ પામશે. તેમણે વધુમાં કહ્યું, “યુદ્ધ પણ ટૂંક સમયમાં સમાપ્ત થશે.” જ્યારે ઝેલેન્સ્કીએ યુનાઇટેડ સ્ટેટ્સને “મજબૂત રહેવા” અને મોસ્કો પર તેના આક્રમણને રોકવા માટે દબાણ કરવાનું ચાલુ રાખવાની અપીલ પણ કરી.
72 વર્ષીય પુતિન નિયમિતપણે આ લિમોઝીનનો ઉપયોગ કરે છે અને તેમણે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ સહિત ઘણા લોકોને આ લિમોઝીન ભેટમાં આપી છે. તાજેતરમાં, મુર્મન્સ્કમાં, ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSO) ના અધિકારીઓ દ્વારા ઔપચારિક સિક્યોરિટીની તપાસ કરવામાં આવી હતી. ધ સનના હવાલાથી એક ભૂતપૂર્વ બોડીગાર્ડે જણાવ્યું કે “તેમને પોતાના જીવન માટે કેટલો ડર છે,” તેણે એમ પણ કહ્યું કે પુતિનને પોતાના સ્ટાફ પર વિશ્વાસ નથી.