રશિયાના કઝાન શહેરમાં શનિવારે સવારે અમેરિકાના 9/11 જેવો હુમલો થયો હતો. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર, કઝાનમાં 8 ડ્રોન હુમલા થયા હતા, જેમાંથી 6 રહેણાક ઈમારત પર થયા હતા. આ હુમલો મોસ્કોથી 800 કિલોમીટર દૂર થયો હતો. હજુ સુધી હુમલામાં કોઈના માર્યા ગયા હોવાના સમાચાર નથી.
હુમલાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે, જેમાં ઘણાં ડ્રોન ઈમારતો સાથે અથડાતાં દેખાય છે. આ હુમલા બાદ રશિયાનાં બે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યાં છે.રશિયાના કઝાન શહેર પરના આ હુમલાની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે, કારણ કે આ જ વર્ષે 2024માં રશિયાના આ શહેરમાં બ્રિક્સ સંમેલન યોજાયું હતું.
2001માં આતંકવાદીઓએ આવી જ રીતે 4 પ્લેન હાઇજેક કરીને અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો હતો. એમાંથી 3 પ્લેન એક પછી એક અમેરિકાની 3 મહત્ત્વની ઈમારતો પર તૂટી પડ્યાં હતાં. પ્રથમ ક્રેશ રાત્રે 8:45 વાગ્યે થયો હતો. બોઇંગ 767 વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ ટાવર સાથે અથડાયું હતું. 18 મિનિટ પછી બીજું બોઇંગ 767 બિલ્ડિંગના સાઉથ ટાવર સાથે અથડાયું હતું.
4 મહિના પહેલાં રશિયા પર પણ આવી જ રીતે હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેને રશિયાના સારાતોવ શહેરમાં 38 માળની રહેણાક ઇમારત વોલ્ગા સ્કાયને નિશાન બનાવી હતી. રશિયાનું અહીં સ્ટ્રેટેજિક બોમ્બર મિલિટરી બેઝ પણ છે. હુમલામાં 4 લોકો ઘાયલ થયા હતા. એ બાદ રશિયાએ યુક્રેન પર 100 મિસાઈલ અને 100 ડ્રોન ફાયર કરીને જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં 6 લોકોનાં મોત થયાં હતાં અને 150થી વધુ લોકો ઘાયલ થયા હતા.