રંગોત્સવના દિવસે ડૂબી જવાની અલગ અલગ ઘટનાઓમાં ૧૬ના મોત

અમદાવાદ, રંગોત્સવના દિવસે જ રાજયમાં વિવિધ સ્થળોએ અકસ્માત એટલે કે ડૂબી જવાની ઘટનાઓ સામે આવી છે.રાજ્યમાં ડૂબી જવાની અલગ અલગ ઘટનાઓમાં ૧૬ લોકોના મોત થયા છે. જેમાં સૌથી પહેલા ભાવનગરની વાત કરીએ તો, તળાજાના મણાર ગામ પાસે આવેલા ચેકડેમમાં ત્રણ યુવાનો ડૂબતાં મોત નીપજ્યા હતા. તો ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ત્રણ વિદ્યાર્થી ડૂબી જતાં મોત થયા હતા.

આ ઉપરાંત બનાસકાંઠાના પાલનપુરની બાલારામ નદીમાં ડૂબવાથી ૨ યુવકોના મોત થયા હતા. ધુળેટીની ઉજવણીને લઈ ડીસાના યુવકો નદીમાં નાહવા પડતા જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. તો મહીસાગરના રણજીતપુરાના પીપળી ખેત તલાવડીમાં બાળકનું ડૂબવાથી મોત નીપજ્યું હતું. ત્યારે અમદાવાદના ભાડજ હરેકૃષ્ણ મંદિર પાસે પણ કેનાલમાં ૫ લોકો ડુબ્યા હતા. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ ૨ લોકો ડૂબવાની ઘટના સામે આવી છે. આ રીતે રાજ્યમાં ડૂબી જવાથી ૧૬ લોકોના મોત થયા છે.