રંગ દે બસંતી રિલીઝ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો

મુંબઇ, ગત સપ્તાહમાં આપણે ફિલ્મ રંગ દે બસંતી વિશે વાત કરી રહ્યાં હતા. આ ફિલ્મને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ બનાવી છે. તેમણે આ ફિલ્મ સાત વર્ષ સુધી લખી એ પછી તેને બનાવવાની શરૂઆત કરી હતી. આપણે ગત સપ્તાહમાં વાત કરી કે રંગ દે બસંતીમાં મૂળ શાહરુખ ખાનને લેવાનો હતો પણ એસ.આર.કે એ સમયે પહેલી ફિલ્મનું શૂટિંગ ગુજરાતના નાના ગામમાં કરી રહ્યો હોવાથી તે દિલ્હી વારંવાર રંગ દે બસંતી માટે જઇ શકે એમ ન હોવાથી તેણે ના કહી હતી.

શાહરુખ ખાને ના પાડતાં આ ફિલ્મ માટે આમિર સાથે વાત કરવાનું નક્કી કરવામાં આવ્યું. આમિરને ફિલ્મની વાર્તા ખૂબ ગમી ગઇ હતી. રાકેશ કહે છે કે મેં જ્યારે આમિરને આ ફિલ્મનું નામ કહ્યું ત્યારે પહેલાં તો એણે એમ જ કહ્યું કે હાલ મારો પીરિઓડિક ફિલ્મ કરવાનો કોઈ ઇરાદો નથી. રાકેશ કહે છે કે મેં કહ્યું આમિર એક વાર વાર્તા સાંભળી લે. આ ફિલ્મ પીરિઓડિક ફિલ્મ નથી, આ કન્ટેમ્પરરી ફિલ્મ છે. યૂથની ફિલ્મ છે. આમિરે આખી વાર્તા સાંભળ્યા પછી રાકેશને કહ્યું કે કદાચ મેં આ વાર્તા ન સાંભળી હોત તો હું સારી વાર્તા સાંભળતા ચૂકી ગયો હોત. મને ફિલ્મની વાર્તા તો ગમી છે પણ હું ચાલીસનો થયો છું, હું આ ઉંમરે યૂથની ભૂમિકામાં ફિટ બેસીશ? બીજી વાત કે આ ઉંમરે હું ડી.જે તરીકે સારો લાગીશ? રાકેશ ઓમપ્રકાશ મહેરા કહે છે કે એ વિશે મને કોઈ શંકા નથી, તું આ રોલ માટે પરફેક્ટ જ છે. ડાયરેક્ટરના વિશ્ર્વાસે અને ફિલ્મના ક્લાઇમેક્સમાં પોતાની રીતે થોડા ફેરફાર કરવાની શરતે આમિરે આ ફિલ્મ સ્વીકારી લીધી હતી.

રંગ દે બસંતીમાં કુનાલ કપૂરે કરેલો અસલમનો રોલ પહેલાં અર્જુન રામપાલને ઓફર કરવામાં આવ્યો હતો. અર્જુને તે સ્વીકારી પણ લીધો અને શૂટિંગ શરૂ પણ કરી દીધું પણ થોડા દિવસ શૂટ કર્યાં બાદ તેને રાકેશ ઓમપ્રકાશ મહેરા પોતાની ફિલ્મ બાબતે ખૂબ જ કન્ફ્યુઝ હોય એમ લાગ્યું અને આ કારણે જ તેણે અધવચ્ચે જ ફિલ્મ છોડી દીધી. તેણે ફિલ્મ છોડ્યા બાદ મીડિયાને ખાસ ઇન્ટરવ્યૂ પણ આપ્યો હતો જેમાં તેણે રાકેશ મહેરાના કન્ફ્યુઝન વિશે ઘણાં નિવેદન આપ્યાં અને ફિલ્મની શું હાલત થશે એ વિશે ભવિષ્ય પણ ભાખ્યું હતું. જોકે એ બધાં જ નિવેદનો ખોટાં પાડી આ ફિલ્મે ઘણી સારી કમાણી કરી ત્યારે અર્જુન રામપાલે મીડિયા સામે આવી ફરી વાર રાકેશ ઓમપ્રકાશ મહેરાની માફી માંગી હતી અને પોતે એક સારી ફિલ્મ ગુમાવી હોવાનો વસવસો પણ જતાવ્યો હતો.

રંગ દે બસંતી સૌપ્રથમ ફીમેલ એક્ટ્રેસમાં પ્રીટિને ઓફર થઇ હતી. પ્રીટિ ઝિંટાને ફી બાબતે થોડા ઈશ્યૂ થયા હોવાથી તેણે આ ફિલ્મ કરવાની ના કહી એ પછી તેમાં સોહા અલી ખાનને કાસ્ટ કરવામાં આવી હતી. વાત કરીએ સિદ્ધાર્થની તો તે કહે છે કે મને તો ભારતમાં લોકો રંગ દે બસંતીના હીરોથી જ જાણે છે. આમ તો સિડ સાઉથનો હીરો છે પણ રંગ દે બસંતીના તેના કેરેક્ટરના કારણે તેને ઘણી પ્રસિદ્ધિ અપાવી હતી. તે કહે છે કે મને આ રોલ ઓફર કર્યો એ માટે હું રાકેશ સર અને આમિરનો આભારી રહીશ. તે કહે છે કે અમે આ ફિલ્મના શૂટિંગ સમયે ખૂબ મજા કરી છે. અમે શૂટિંગ પતે એટલે રાત્રે ત્રણ વાગ્યે બાઇક રાઇડ ઉપર નીકળતાં. રાત્રે કેમ્પ ફાયર કરીને શાયરીનો દોર શરૂ કરતાં હતાં. અમારી ફિલ્મમાં એક તરફ ભગત સિંઘની લડાઈ શૂટ થતી હતી તો બીજી તરફ બિહાઇન્ડ ધ કેમેરા માહોલ ખૂબ મસ્તીભર્યો રહેતો હતો. જોકે આનો બધો જ શ્રેય રાકેશ સરને જાય છે. તે ખૂબ જ શાંત માણસ છે, કદાચ કોઇ મુશ્કેલી હોય તો પણ તેમના ચહેરા ઉપર અમને ક્યારેય ચિંતાની રેખા નથી જોવા મળી, કદાચ આ કારણે જ અમે બહુ સરળતાથી ફિલ્મનું શૂટિંગ પતાવ્યું હતું. જોકે, આટલી મહેનતથી બનાવેલી રંગ દે બસંતીને એક સમયે આમિર અને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ રિલીઝ કરવાની જ ના પાડી દીધી હતી.