રંગભેદી ટિપ્પણી

હજુ તો કોંગ્રેસ સામ પિત્રોડાના વારસાઇ ટેક્સની તરફદારી કરતા નિવેદનના ઝટકામાંથી બહાર પણ નહોતી આવી કે પિત્રોડાએ ભારતની વિવિધતાનું વાહિયાત રીતે ચિત્રણ કરતાં એમ કહી દીધું કે દક્ષિણના લોકો આફ્રિકનો જેવા, પૂર્વોત્તરના ચીનાઓ જેવા, પશ્ચિમના આરબો જેવા અને ઉત્તર ભારતના ધોળિયા જેવા દેખાય છે. આના પહેલાં કદાચ જ કોઈએ વિભિન્ન રંગરૂપ ધરાવતા ભારતીયોને આવી ઉપમા આપી હોય. આ ઉપમા વાહિયાત જ નહીં, વાંધાજનક પણ છે. એમાં રંગભેદી માનસિક્તા દેખાય છે, કારણ કે એ કોઈથી છૂપું નથી કે કઈ રીતે કેટલાક અણસમજુ લોકો પૂર્વોત્તર ભારતના લોકોને ચીની કહીને ચીડવે છે અથવા કાળા લોકોની મજાક ઉડાવે છે. એના પર આશ્ર્ચર્ય નહીં કે સામ પિત્રોડાના નિવેદન પર ભાજપ કોંગ્રેસ પર આક્રમક થઈ ગઈ. કોંગ્રેસે ફરી એક વખત સામ પિત્રોડાના નિવેદનથી હાથ ખંખેરી નાખવા પડ્યા, જેવું વારસાઇ ટેક્સ નિવેદન વખતે કરવું પડ્યું હતું. એનાથી જોકે વાત બની નહીં અને એ જ કારણે સામ પિત્રોડાને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવું પડ્યું, જેને પાર્ટીએ તાત્કાલિક સ્વીકાર પણ કરી લીધું. એનાથી એ જ સ્પષ્ટ થાયછેકે તેઓ કોંગ્રેસ માટે મુસીબત બની ગયા હતા. કારણ કે તેમણે એમ પણ કહી નાખ્યું કે અયોયામાં બનેલું રામ મંદિર ભારતના વિચારથી વિપરીત છે.

વાત માત્ર સામ પિત્રોડાની જ નથી. ગત દિવસોમાં કોંગ્રેસના કેટલાક અન્ય નેતાઓએ પાર્ટીની ફજેતી કરાવે તેવાં નિવેદનો આપ્યાં છે. હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં કોંગ્રેસના નેતા પ્રતિપક્ષ વિજય વડેટ્ટીવારે મુંબઈ હુમલા દરમ્યાન બલિદાન થયેલા પોલીસ અધિકારી હેમંત કરકરે વિશે એ નિવેદન આપ્યું કે તેઓ પાકિસ્તાની આતંકી અજમલ ક્સાબની નહીં, પરંતુ આરએસએસના નજીકના પોલીસ અધિકારીની ગોળીનો નિશાનો બન્યા હતા. વિરોધ અને ફજેતી થયા બાદ તેમણે ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ શશિ થરૂર વચ્ચે કૂદી પડ્યા અને તેમણે એ માંગ કરી દીધી કે વિજય વડેટ્ટીવારના આરોપોની તપાસ થવી જોઇએ. આખરે તેઓ એ કેવી રીતે ભૂલી ગયા કે આ કેસની તપાસ પણ થઈહતી અને અજમલ ક્સાબને ફાંસી પણ થઈ હતી? એ સમયે મનમોહન સરકાર સત્તામાં હતી અને ખુદ શશિ થરૂર પણ એ સરકારમાં મંત્રી હતા. આખરે બહુશિક્ષિત ગણાતા શશિ થરૂર આટલું બેજવાબદાર નિવેદન કેવી રીતે આપી શકે, પરંતુ લાગે છે કે આ કોંગ્રેસના ડીએનએમાં જ છે કે જેને જે મનમાં ફાવે તેવું સમજ્યા-વિચાર્યા વિના બોલી નાખે. એની અવગણના ન કરી શકાય કે ગત દિવસોમાં પુંછમાં આતંકી હુમલાને લઈને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ એમ કહી દીધું હતું કે આ હુમલો ભાજપની ચૂંટણી નૌટંકી છે. બાદમાં તેમણે પણ પોતાના આ નિવેદન માટે સફાઈ આપવી પડી. કોંગ્રેસ એ સમજે તો બહેતર કે તેના નેતાઓના આવાં વાહિયાત નિવેદનો તેના પર તો ભારે પડે જ છે, સાથે જ દેશની સુરક્ષા પર પણ ભારે પડી જાય છે.